પારડી: ખેરલાવ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચાપલોટ (IAS) ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને  મળેલી જાણકરી મુજબ આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી અદિતિ અંકિતકુમાર પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી હિરેન પટેલ, ગામના સરપંચ શ્રી મયંક પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચાપલોટે વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેરલાવ પ્રાથમિક શાળાના સુંદર અને આધુનિક પરિસરની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ગામના સરપંચ શ્રી મયંક પટેલના નેતૃત્વમાં ગ્રામ પંચાયત, ગ્રામજનો અને દાતાશ્રીઓના સહયોગથી શાળામાં થયેલા વિકાસકાર્યો અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ છે. શાળાના શૈક્ષણિક માહોલ, હરિયાળા પરિસર, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ભવિષ્યલક્ષી આયોજનને તેમણે બિરદાવ્યું હતું.

આ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગથી શાળા પરિસરમાં સ્થાપિત મા સરસ્વતીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ગામમાં નિર્માણાધીન આધુનિક પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પુસ્તકાલયના કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સરપંચ શ્રી મયંક પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસો ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પુસ્તકાલય પૂર્ણ થયા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટી સુવિધા મળશે તેમ તેમણે જણાવ્યું હતું. ખેરલાવ ગામમાં શિક્ષણ, સ્વચ્છતા, હરિયાળી અને માળખાકીય વિકાસ માટે સતત થઈ રહેલા પ્રયાસોની ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી હતી. અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, ગ્રામજનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here