કપરાડા: આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વારોલી જંગલ પ્રાથમિક શાળામાં એક હર્ષોલ્લાસપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં બાલવાટિકા તથા ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓને ફૂલો અને શુભેચ્છાઓ આપીને તેમના શૈક્ષણિક જીવનના નવા પ્રારંભને ખુશીથી વધાવવામાં આવ્યો. ધારાસભ્યે બાળકોને સંબોધતા કહ્યું કે, “વિદ્યાર્થીઓમાં રહેલી અમૂલ્ય ક્ષમતાઓને યોગ્ય માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિકસાવી શકાય છે. આજથી તમારા જીવનની નવી યાત્રા શરૂ થઈ છે, સતત પ્રગતિ અને શિક્ષણના માર્ગે આગળ વધતા રહો.”
ધારાસભ્ય જીતુ ચૌધરીએ વાલીઓને પણ સંબોધીને કહ્યું કે, “પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે સતત સજાગ રહો. તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા અને સંસ્કારસભર જીવન ઘડવામાં તમારી સક્રિય ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “શિક્ષણ એ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ એક સશક્ત સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો મજબૂત આધારસ્તંભ છે.” કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને સ્થાનિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી.











