લખનૌ: બાળકો સળગીને મરી રહ્યા છે તેનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે ! કોઈ પણ સરકાર બિનસંવેદનશીલ અને જાડી ચામડીની હોય છે. સંવેદનશીલતાનો ઢોલ પીટવામાં આવે છે પરંતુ તે દંભ હોય છે. 22 જૂન 2026ના રોજ બપોરે લખનૌના અલીગંજ વિસ્તારમાં કોચિંગ ક્લાસના 15 વિદ્યાર્થીઓ આગમાં હોમાઈ ગયા. આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. ત્રણ માળના મકાનમાં, ગ્રાઉન્ડ ફ્લોર અથવા નીચલા ભાગમાંથી આગ શરૂ થઈ અને ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ. ઉપર એનિમેશન/ કોચિંગ સેન્ટર (અને ગેમિંગ ઝોન) હતું. ધુમાડો ભરાઈ જતાં અંદર ફસાયેલા લોકોને અસર થઈ. કેટલાક વિદ્યાર્થીઓએ પહેલા માળેથી કૂદીને બચવાનો પ્રયાસ કર્યો, જેનાથી 9 જેટલા ઇજાગ્રસ્ત થયા.
બાળકો/ વિદ્યાર્થીઓ બહાર કેમ નીકળી શક્યા નહીં ? સુરક્ષાનો અભાવ. અગ્નિ સુરક્ષા સાધનોની અછત, અવરોધિત/અપૂરતા એક્ઝિટ, રહેણાંક બિલ્ડિંગને કોમર્શિયલ હેતમાં પરિવર્તિત કરવું વગેરે કારણો જવાબદાર છે. આવો જ અગ્નિકાંડ 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કોચિંગ સેન્ટરમાં થયો હતો. તેમાં 3/4 માળે આગ લાગી હતી. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ગેરકાયદેસર બાંધકામ/ ફ્લોર, અપૂરતા એક્ઝિટ, અગ્નિ સાધનોની અછત, નિયમોનું અમલીકરણ નહીં, અધિકારીઓની લાપરવાહી વગેરે કારણો જવાબદાર હતા.
આવી ઘટનાઓ વારંવાર થવાનું મુખ્ય કારણ ફાયર સેફ્ટી નિયમો (NBC 2016)નું અમલીકરણ નહીં, બિલ્ડિંગ પરમિશનમાં ભ્રષ્ટાચાર/ લાપરવાહી, કોચિંગ સેન્ટરો પર અનિયમિત ચેકિંગ અને સામાન્ય જાગૃતિની અછત છે. ઘટના પછી અધિકારીઓ સસ્પેન્ડ થાય છે, તપાસ અને કમ્પેન્સેશનની જાહેરાત થાય છે, પરંતુ મૂળ સમસ્યા (એન્ફોર્સમેન્ટ) સુધરતી નથી.
સુરતની ઘટનામાંથી દેશની નગરપાલિકાઓ/ મહાનગર પાલિકાઓએ કોઈ બોધપાઠ લીધો નહીં. સરકારના નેતાઓ/ અધિકારીઓ સુંવાળા ભાષણો કરે છે પણ કામ કરતા નથી. નિયમોની અમલવારી નથી. જેને જે કરવું હોય તે કરે છે. આ બાળકો સળગીને મરી રહ્યા છે તેનું મૂળ કારણ તો ભ્રષ્ટાચાર છે.
ભ્રષ્ટાચાર પ્રત્યે આપણને કોઈ છોછ નથી. ચૂંટણીમાં ભ્રષ્ટાચાર કરીને જીતનારા/ જીત્યા પછી પાટલી બદલાવનારાને આપણે તાળીઓથી વધાવીએ છીએ. જ્યાં સુધી લોકો નાગરિકો નહીં બને ત્યાં સુધી કુમળા બાળકોની બલિ ચડતી રહેશે.
BY: રમેશ સવાણી [23 જૂન 2026]











