અમદાવાદ: ઇસનપુર વિસ્તારની એક પરણિત મહિલાને લગ્નની લાલચ આપી બોપલના જય પ્રમુખભાઈ પટેલે સંબધો બાંધ્યા બાદ અંગત ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપી જેને લઈને મહિલાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસ ધરપકડ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મહિલાના કહેવા મુજબ, 2008 માં જય પટેલ સાથે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ સ્થપાયા હતા. બંનેના અલગ-અલગ લગ્ન થયા છતાં જય પટેલે મહિલાને પોતાની પત્નીને પસંદ ન હોવાનું અને ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને વર્ષો સુધી સંપર્ક જાળવી રાખ્યો હતો. મહિલાની માતાની ગંભીર બીમારી અને માનસિક તણાવનો લાભ ઉઠાવી આરોપીએ તેને વિશ્વાસમાં લીધી હતી. વર્ષ ૨૦૧૬થી તેણે લગ્ન કરવાની લાલચ આપીને અમદાવાદ તેમજ અમદાવાદ બહાર જયપુર, પુષ્કર, દિલ્હી, ઉજ્જૈન, જાંબુઘોડા અને કુંભલગઢ સહિતના સ્થળોએ મહિલાને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ છે.
રાજસ્થાનના કુંભલગઢમાં પ્રવાસ દરમિયાન જય પટેલે મહિલાની જાણ બહાર તેના અંગત અને અશ્લીલ ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. ત્યારબાદ તેણે આ ફોટોગ્રાફ્સ મહિલાના પતિ અને સંબંધીઓને મોકલી દીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ મહિલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને અન્ય લોકો મારફતે ફરી સંપર્કમાં આવવા માટે દબાણ કરતો હતો.
માનસિક તણાવ અને સમાજમાં બદનામીની ભીતિથી મહિલા અગાઉ ફરિયાદ નોંધાવી શકી ન હતી. આખરે તે પોતાના પતિ સાથે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગઈ. પોલીસે જય પટેલ વિરુદ્ધ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ, ધમકી, અંગત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.











