ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા તેમને તાત્કાલિક પદેથી હટાવવાની માંગ કરી છે. સાંસદ વસાવાએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. તેમણે આ અડ્ડાવાળાઓ સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો અને પુરાવા હોવાનો દાવો પણ કર્યો છે.
વસાવાએ જણાવ્યું, “પક્ષના નિષ્ઠાવાન કાર્યકરો આ સામાજિક દૂષણો સામે અભિયાન ચલાવે છે, ત્યારે તેમને સાથ આપવાને બદલે જિલ્લા પ્રમુખ અને તેમના માણસો દ્વારા ડરાવવામાં આવે છે. આ કેવા પ્રકારનું પક્ષીય નેતૃત્વ છે? ગુનાહિત પ્રવૃત્તિઓને આશ્રય આપતા પ્રમુખને પક્ષમાંથી તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે, જે પક્ષ શિસ્ત, મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાત કરે છે, તે નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓને પ્રોત્સાહન આપતા નેતૃત્વને કેમ સહન કરે છે ?
વસાવાએ આક્ષેપ કર્યો કે નીલ રાવ અને તેમની ટોળકીના ભ્રષ્ટાચાર અને નકારાત્મક વલણને કારણે ભાજપે નર્મદા જિલ્લા પંચાયત ગુમાવી છે. સાંસદે ચેતવણી ઉચ્ચારી કે, જો પક્ષનું હાઈકમાન્ડ તાત્કાલિક પગલાં નહીં લે અને પ્રમુખને પદ પરથી નહીં હટાવે, તો આગામી ચૂંટણીઓમાં પક્ષને વધુ નુકસાન થશે. સ્થાનિક આદિવાસી સમાજ આ પ્રકારના દૂષણો અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિથી સખત નારાજ છે. ઉલ્લેખનીય છે કે, નાંદોદના MLA દર્શના દેશમુખના અપમાન બાદ પાર્ટીમાં વિરોધ વકર્યો છે અને આ મુદ્દે મનસુખ વસાવા વારંવાર આકરા પ્રહાર કરી રહ્યા છે..











