વલસાડ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડ જિલ્લા ટીમે નવનિયુક્ત કલેક્ટર શ્રી નિતીન સાંગવાન સાહેબ સાથે સૌજન્યપૂર્ણ શુભેચ્છા મુલાકાત કરી હતી. મહાસંઘના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમના નવા કાર્યભાર માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લાના શિક્ષણ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા થઈ હતી. મહાસંઘે શિક્ષણની ગુણવત્તા વધારવા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શિક્ષકો સામે આવતી વ્યવહારુ સમસ્યાઓ અને શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટેના સૂચનો રજૂ કર્યા હતા. બંને પક્ષે શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રશાસન વચ્ચે વધુ સારો સંવાદ, સુમેળ અને સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મહાસંઘે આશા વ્યક્ત કરી હતી કે પ્રશાસન અને શિક્ષક સમાજ વચ્ચેના સંકલિત પ્રયાસોથી વલસાડ જિલ્લાનું શિક્ષણ વધુ મજબૂત અને પ્રગતિશીલ બનશે. કલેક્ટર શ્રી નિતીન સાંગવાને મહાસંઘ દ્વારા રજૂ કરેલા તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પ્રશાસન તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી. તેમણે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણના પાયાના શિલ્પીઓ ગણાવીને તેમની સેવાઓની પ્રશંસા પણ કરી હતી.











