વ્યારા: વ્યારા વિસ્તારમાં TAPI GREEN SOLAR ના CEO અને SPARSH KNOWLEDGE CENTAR ના કાર્યકર બિપિન ચૌધરી પર આદિવાસી સમુદાયની વિચારધારાનો ઢોંગ રચીને અચાનક ભાજપમાં જોડાવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મુદ્દે સ્થાનિક સામાજિક મહિલા આગેવાન દમયંતી ચૌધરીએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા તીખી ટીકા કરી છે.
દમયંતી ચૌધરીના આરોપ મુજબ, બિપિન ચૌધરીએ અગાઉ આદિવાસી હિતો અને સમુદાયની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે તેઓ અચાનક ભાજપનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ કાર્યને સમુદાયના લોકો સાથે છેતરપિંડી તરીકે જોવામાં આવી રહ્યું છે.
વિવાદાસ્પદ વક્તવ્યોનો પણ ઉલ્લેખ
આ ઉપરાંત, થોડા સમય પહેલાં બિપિન ચૌધરીએ વ્યારાના ડોક્ટરો, એન્જિનિયરો અને શિક્ષકોને વોટ્સેપ ગ્રુપમાં “હરામખોરો” જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ લોકોને સમાજ વિરોધી વિચારધારા ધરાવતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે આ જ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીમાં જોડાઈને અંગત સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવી ટીકા થઈ રહી છે.
દમયંતી ચૌધરીએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે, “પાર્ટી પક્ષમાં જવું છે તો પહેલેથી ક્લિયર કરી દો કે આવનાર સમયમાં હું પોલિટિકલ પાર્ટી સાથે જોડાવાનો છું. પણ એવું નથી થતું. બે-ચાર વર્ષ પોતાના જ સમુદાયને ઉલ્લુ બનાવી પોતાના રોટલા શેકવાની વ્યૂહરચના ચાલી રહી છે.”
સમુદાયની પ્રતિક્રિયા
સ્થાનિક આદિવાસી સમુદાયમાં આ વિવાદને લઈને નારાજગી જોવા મળી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે સમાજ સેવાના નામે કામ કરનાર વ્યક્તિઓએ પોતાના રાજકીય અભિગમ વિશે પારદર્શક રહેવું જોઈએ. અચાનક પાર્ટી બદલવાને સમુદાય સાથે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવી રહ્યો છે. બિપિન ચૌધરી તરફથી આ આરોપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. આ મામલો આદિવાસી વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને રાજકારણ વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચા જન્માવી રહ્યો છે.











