માંડવી: આજરોજ માંડવી તાલુકામાં રાજ્યભરમાં વધતા જતાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર અને બિયારણના ભાવવધારાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધી ધરણાં, બળદગાડી રેલી કરી સરકાર સામે વિરોધના સૂર ઉપાડયા છે જેમાં જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ માંડવી ખાતે વધતી જતી મોંઘવારીના વિરોધમાં ધરણાં કાર્યક્રમ અને બળદગાડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, ખાતર, બિયારણ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના સતત વધી રહેલા ભાવોને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરી, કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બળદગાડી રેલી દ્વારા મોંઘવારીના કારણે ખેડૂતો, મધ્યમવર્ગ અને સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સતત વધી રહેલા ભાવોથી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે અને સરકાર મોંઘવારી નિયંત્રણમાં નિષ્ફળ રહી છે. કાર્યક્રમના અંતે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે માંડવી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર અને બિયારણ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા તેમજ મોંઘવારી પર નિયંત્રણ લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.











