ગુજરાત: ગુજરાતમાં જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અંગે એડવોકેટ આરતીબેન ભીલના વિડિયોને લઈને તીવ્ર વિરોધ શરૂ થયો છે. અનેક લોકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આ વિડિયો લોકોને ભ્રમિત કરનારો છે અને તેમાં કાયદાની ખોટી વ્યાખ્યા આપવામાં આવી રહી છે.
આદિવાસી સમાજના આગેવાન અરુણ ચૌધરી FB પર પોસ્ટ પર લખે છે સંવિધાનના અનુચ્છેદ 342(1) મુજબ રાષ્ટ્રપતિના તા. 06-09-1950ના નોટિફિકેશન અનુસાર જે જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેઓ માત્ર તે રાજ્યમાં જ જ્યાં તેઓ જન્મ્યા હોય ત્યાં જ પ્રમાણપત્ર મેળવવાના હકદાર છે.
મુખ્ય વાંધાઓ:
• જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેના તમામ દસ્તાવેજો સરકારી રેકર્ડમાંથી જ મેળવવાના હોય છે.
• 2018ના જાતિ પ્રમાણપત્ર કાયદા અને 2020ના નિયમોમાં કોઈ સુધારાની જરૂર નથી.
• સમસ્યા દસ્તાવેજો મેળવવામાં આવતી તકલીફોની છે, જે સરકારી કચેરીઓમાં રેકર્ડ સુધારવા અને સરળ પ્રક્રિયા અપનાવવાથી ઉકેલી શકાય છે.
• કાયદામાં સુધારો કરવાની માગણીને “ગેરવાજબી” ગણીને તેનો સતત વિરોધ કરવામાં આવશે.
એક વિરોધીએ કહ્યું, “આપ 1950ના પુરાવા પર અટકી ગયા છો. જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાયદો બદલવાને બદલે સરકારી કચેરીઓમાં દસ્તાવેજો સરળતાથી મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ.”
આ વિવાદ ત્યારે વધુ તીવ્ર બન્યો છે જ્યારે એડવોકેટ આરતીબેન ભીલે વાયરલ વિડિયો દ્વારા જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અને કાયદામાં સુધારાની વાત કરી. વિરોધીઓ આને લોકોને ભ્રમિત કરવાની કોશિશ તરીકે જુએ છે.
આ મામલે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જો કે સામાજિક મીડિયા પર આ વિષય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.











