માંડવી: દઢવાડા ગામમાં પશુઓમાં ફેલાતા લમ્પી સ્કિન રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામના પશુપાલકોમાં રોગ અંગે જાગૃતિ લાવવા સાથે ગાય અને ભેંસોને લમ્પી સ્કિનની રસી આપવામાં આવી હતી. પશુચિકિત્સક ટીમ દ્વારા પશુઓની આરોગ્ય તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
Decision News મળેલી જાણકરી મુજબ આ અભિયાનમાં દૂધ મંડળીના કર્મચારી, મંત્રી, પ્રમુખ તેમજ કમિટી સભ્યોએ સક્રિય સહભાગી બની ઘરે ઘરે જઈ પશુપાલકોને લમ્પી સ્કિન રોગ અંગે માહિતી આપી પશુઓનું રસીકરણ કરાવ્યું હતું. ગામલોકોમાં પણ અભિયાન પ્રત્યે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
પશુચિકિત્સક ડૉ. કરણ ચૌધરી દ્વારા પશુપાલકોને લમ્પી સ્કિન રોગથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, બીમાર પશુઓને અન્ય પશુઓથી અલગ રાખવા તેમજ સમયસર રસીકરણ કરાવવાની અપીલ કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી.











