રીસર્ચ રીપોર્ટ: ગુજરાતમાં સરકારી આરોગ્ય સુવિધાઓને લઈને મોટા-મોટા દાવાની વાસ્તવિક પરિસ્થિતિ કઈ જુદી જ હોવાનું હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઇન્ડિયાના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં પ્રકાશમાં આવી છે. ગુજરાતના લોકો મજબૂરીમાં સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા કે અપમાનિત થવાના બદલે ખાનગી હોસ્પિટલો તરફ વળી રહ્યા છે.
આ અહેવાલના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે, ગર્ભાવસ્થા વખતે પણ સરકારી હોસ્પિટલો પર લોકોને વિશ્વાસ નહીં ખાનગી અને સરકારી હોસ્પિટલો વચ્ચે પ્રસુતિના ખર્ચમાં મોટો તફાવત હોવા છતાં, હવે ગર્ભવતીઓ અને તેમના પરિવારો પણ સરકારી વ્યવસ્થા પર ભરોસો મૂકવા તૈયાર નથી, જેના કારણે સરકારી હોસ્પિટલો કરતાં ખાનગીમાં વધુ બાળકોના જન્મ થઈ રહ્યા છે.
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ગામડાંમાં 51.5 ટકા બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલોમાં થાય છે અને તેની સામે સરકારી હોસ્પિટલોમાં આ પ્રમાણ માત્ર 42.5 ટકા જ છે, જ્યારે શહેરોમાં તો આ ખાઈ વધુ વિશાળ બની ગઈ છે જ્યાં 63.5 ટકા બાળકો પ્રાઈવેટ હોસ્પિટલોમાં જન્મે છે અને સરકારી ક્ષેત્રે આ આંકડો માત્ર 32.6 ટકા જ નોંધાયો છે.











