ચીખલી: છેલ્લા લાંબા સમયથી માંડવખડક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં સારવાર વ્યવસ્થાની ભારે ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે, સરકારી હોસ્પિટલમાં માત્ર ગોળીઓ આપીને વિદાય કરવામાં આવે છે અને ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર માટે મોટી ખાનગી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવે છે. આને કારણે ગરીબ અને સામાન્ય ગ્રામજનો આર્થિક રીતે પરેશાન થઈ રહ્યા છે.
ગામના લોકો કહે છે કે, “બોટલ ચડાવવાની જરૂર હોય તો પણ અહીં એડમિટ કરતા નથી. સીધું મોટી હોસ્પિટલમાં જવાનું કહી દે છે. તો પછી આ PHCનું શું કામ છે?”
ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે:
• ડોક્ટરોના આવવા-જવાનો કોઈ નિશ્ચિત સમય નથી.
• અનેક વખત ડોક્ટર મીટિંગમાં હોય, રજા પર હોય કે બપોર પછી આવશે એવું કહેવામાં આવે છે.
• તાવ, દુખાવાની લોક ફરિયાદ પર પણ માત્ર ગોળી આપીને મોકલી દેવાય છે.
• પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જનજાગૃતિ કાર્યક્રમો, સરકારી યોજનાઓ વિશે કોઈ ચર્ચા કે કેમ્પનું આયોજન કરવામાં આવતું નથી. ગામના આગેવાનો સાથે ડોકટર ગામના લોકોના બેહતર આરોગ્ય સંદર્ભે કોઈ ચર્ચા- વિચારણા કરતાં નથી, એસી ગાડીમાં સવારે આવે છે, સારવારના નામે દર્દીઓને તપાસ કરી ગોળીઓ આપી રવાના કરી, મીટીંગો નામે બહાર નીકળી જતાં હોય છે.
ગ્રામજનો કહે છે, “ડોક્ટરો સરકારી પગાર તો નિયમિત લે છે, પણ લોકોની સેવા કરવાની જવાબદારી બાજુ પર રાખી દે છે.” આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગનું ધ્યાન આપવામાં આવે, ગામલોકો માંગ કરી રહ્યા છે કે PHCમાં યોગ્ય સુવિધાઓ, નિયમિત ડોક્ટરોની હાજરી અને જરૂરી સારવાર વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી ગરીબ લોકોને ખાનગી હોસ્પિટલના ખર્ચમાંથી રાહત મળી શકે. BY: (સ્થાનિક પ્રતિનિધિ)
[નોંધ: આ લોક ફરિયાદને લઈને DECISION NEWS ગામના સરપંચશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર જણાવી અને ગામના આગેવાનો સાથે અચાનક સ્ટીંગ કરશે અને રિયાલિટી ચેકમાં આ PHC ની તમામ વિગતો બહાર લાવશે]











