ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ફરી એક મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવા માટે પોતાના પગે ચાલીને હોસ્પિટલ આવેલા એક 35 વર્ષીય સર્વસામાન્ય યુવાનને ડોક્ટરો દ્વારા ‘બ્રેઈનડેડ’ જાહેર કરાતાં હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પર દવાનો ઓવરડોઝ આપવાનો અને ગંભીર તબીબી બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો છે.
આ કિસ્સા વિષે DECISION NEWS ને મળેલી વિગતો મુજબ 35 વર્ષીય નરેન્દ્રભાઈ ગુલાબભાઈ પટેલને પિત્તાશયમાં પથરી અને સોજાની તકલીફ હોવાથી 14 મેના રોજ ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, નરેન્દ્રભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને ચાલતા-ફરતા હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ સારવાર શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ તેમની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ અને તેમને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી હતી. હાલમાં મગજના નિષ્ણાત ડોક્ટરે તપાસ બાદ નરેન્દ્રભાઈનું મગજ 90% થી 99% સુધી ડેડ (બ્રેઈનડેડ) થઈ ગયું હોવાનું જાહેર કર્યું છે.
દર્દીના સાઢુભાઈ જીગ્નેશ પટેલ જણાવે છે કે નરેન્દ્રભાઈને પહેલાં હૃદયની કોઈ તકલીફ નહોતી. સારવાર દરમિયાન જ્યારે ડોક્ટરોએ તેમના નાકમાં નળી નાખી, ત્યારે તેમનું આખું શરીર એકદમ ધ્રૂજી ઊઠ્યું અને તેઓ ગભરાઈ ગયા. અમને આશંકા છે કે સ્ટાફે કોઈ ખોટી દવા અથવા ભારે ડોઝ આપી દીધો જે તેમનું શરીર સહન ન કરી શક્યું.
દર્દીના પિતરાઈ ભાઈ વિમલ પટેલ કહે છે કે અમે જ્યારે પેશન્ટને બીજી ડૉસ્પિટલમાં લઈ જવાની વાત કરી, ત્યારે પણ હોસ્પિટલે એમ કડીને ના પાડી દીધી કે બધી સારવાર અહીં ઉપલબ્ધ જ છે. નરેન્દ્રભાઈના નાના બાળકો છે, તેમના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ રહ્યો છે. અમારી માંગ છે કે અમને ન્યાય મળે.
સારવાર કરનાર ડોક્ટર ડૉ.આલટન લૂલો બચાવ કરતાં જણાવે છે કે 16 મેની રાત્રે અચાનક શ્વાસની તકલીફ વધી ગઈ અને ડાર્ટ રેટ ઘટી જતાં અમે તાત્કાલિક CPR અને નાકમાં નળી નાખવાની પ્રક્રિયા કરી આઈસીયુમાં લીધા. દર્દીને બીજો હાર્ટ એટેક આવવાને કારણે અને ગંભીર ઇન્ફેક્શન મગજ સુધી પહોંચવાને લીધે તેમની સ્થિતિ ચિંતાજનક બની છે.
@નોંધ: જો તમારી સાથે પણ રાજચંદ્ર હોસ્પીટલમાં સારવાર માટે ગયા હોય તબીબો સ્ટાફ કે અન્ય મેનેજમેન્ટના વ્યક્તિઓ દ્વારા ગેરવર્તણુક કે અન્યાય થયો હોય તો DECISION NEWS ને જણાવો.. ચાલો આવી ઘટનાને પ્રકાશમાં લાવીએ











