માંડવી: આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા લાખો રૂપિયાના ભૂગર્ભ ગટરલાઈન પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને ડેમેજ સીમેન્ટના ભૂંગળા નાખવાની ઘટના સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વોર્ડ નંબર-3 ના નાના કુંભારવાડ વિસ્તારમાં ગટરલાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક રહીશ ભાવેશ પટેલે સ્થળ પર ડેમેજ સીમેન્ટના ભૂંગળા અંદર ગાઉન નાખવાનું જોયું. તેમણે તરત જ અન્ય જાગૃત નાગરિકોને જાણ કરતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા અને કામ અટકાવી દીધું. નગરજનોએ આક્ષેપ કર્યો કે, “આ પ્રોજેક્ટ વિકાસ માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર માટે બનાવવામાં આવ્યો છે.” સરકાર તરફથી લાખો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની દેખરેખ રાખવામાં આવી નથી, જેથી એજન્સી મનમાને કામ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રવિણસિંહ, વિજય પટેલ તેમજ મહિલા સભ્ય સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોના વિરોધ બાદ એજન્સીના સંચાલકોએ ડેમેજ ભૂંગળા વાપરવાનું કામ તાત્કાલિક અટકાવ્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે ટાઉનના અન્ય વિસ્તારોમાં પણ આવા જ હલકી ગુણવત્તાવાળા સીમેન્ટના ભૂંગળા નાખવામાં આવ્યા હશે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ચીફ ઓફિસર અને અધિકારીઓ કામની ગુણવત્તા તપાસવામાં ક્યાં સુધી નિષ્ફળ રહ્યા ? નાગરિકોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ માંડવી નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું છે











