નવસારી: વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરનાર નવસારી જિલ્લાના યુવા દિવ્યાંગ ક્રિકેટર દિગેશ પટેલને આર્થિક મજબૂરીમાંથી બહાર લાવવા માટે સામાજિક સંગઠનો અને ડોક્ટરો દ્વારા સકારાત્મક પગલાં લેવામાં આવ્યાં છે.
ખેરગામ તાલુકાના નડગધરી ગામના દિગેશ પટેલે વ્હીલચેર ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમ છતાં આર્થિક તંગીને કારણે તેઓ હાલમાં વ્હીલચેરના અભાવે મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા ન હતા. આ વાત સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના ચિંતુબા-છાંયડો હોસ્પિટલના યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલના ધ્યાને આવતાં તેમણે દિગેશને મળીને તેમનું સન્માન કર્યું હતું.
ડો. નિરવ પટેલે આવનારી ટુર્નામેન્ટ માટે દિગેશની ટિકિટની વ્યવસ્થા કરી આપી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના લોકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, “દિગેશને વ્હીલચેર ખરીદવામાં સહયોગ આપીને તેને આગળ વધવામાં મદદ કરો.” તેમણે સામાન્ય નાગરિકોને વિનંતી કરી છે કે “ફૂલની તો ફૂલની પાંખડી” સહયોગ આપો.
સરકારને પણ અપીલ
ડો. નિરવ ભુલાભાઈ પટેલે સરકારને વિનંતી કરતાં કહ્યું કે, મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓને વિજય બાદ ધનવર્ષા અને સરકારી નોકરીઓ મળે છે, ત્યારે દિવ્યાંગ ખેલાડીઓ સાથે આવો અન્યાય ન થવો જોઈએ. દિગેશ પટેલ અને નરેશ તુમડા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને સરકારી નોકરી અને સન્માન સાથે જીવન જીવવાની તક મળવી જોઈએ.
દિગેશ પટેલને વ્હીલચેર માટે સહયોગ આપવા માટેનો ગૂગલ પે નંબર: 90810 90249 આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખે પણ લોકોને વ્હીલચેર માટે આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે. આ પ્રયાસો દ્વારા દિગેશ પટેલ જેવા દિવ્યાંગ યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વમાન સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











