વ્યારા: ગ્રામ પંચાયત કાછલ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગામના પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામજનોની સુખાકારી માટે “વનકવચ” નામના ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પાર્ક ગામને લીલું-છમ હરિયાળું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઉનાળાના પ્રચંડ તાપમાં પણ ગ્રામજનો અને અધિકારીઓનો ઉત્સાહ અદ્ભુત છે. 40 ડિગ્રી તાપમાનમાં ભરબપોરે વૃક્ષમિત્રોને પાણીના ફુવારાથી નવડાવવાનું કાર્ય ચાલુ છે. આ પ્રવૃત્તિ ગામના લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીની ભાવના દર્શાવે છે. આ ઓક્સિજન પાર્ક આગામી દિવસોમાં કાછલ ગામને લીલાછમ વનમાં પરિવર્તિત કરશે અને ગામની કુદરતી સુંદરતામાં વધારો કરશે. આ સાથે જ વૃક્ષોના વિસ્તારથી ઓક્સિજનનું સ્તર વધશે, તાપમાનમાં ઘટાડો થશે અને ગામના વાતાવરણમાં સુધારો થશે.
ગ્રામજનોએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વૃક્ષો અમારા ગામને હરિયાળું અને સુંદર બનાવશે. આજે અમે તેમને પાણી આપી રહ્યા છીએ, કાલે આ વૃક્ષો અમને છાંયો અને તાજી હવા આપશે.” આ પ્રકારના પર્યાવરણીય કાર્યો અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. વન વિભાગ અને ગ્રામ પંચાયતના આ સંયુક્ત પ્રયાસો ગામને લીલા-છમ અને આરોગ્યપ્રદ વાતાવરણ તરફ લઈ જઈ રહ્યા છે.











