નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢાના તાલુકા મામલતદાર મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. “ગો સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત સંત સમાજ, ગૌસેવકો અને નાગરિકો દ્વારા રજૂ કરાયેલા આ આવેદનમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ 48 અને 51A(g) અનુસાર દેશી ગૌવંશને “રાષ્ટ્રમાતા” અથવા “રાષ્ટ્ર આરાધ્યા”નો સંવૈધાનિક દરજ્જો આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આવેદનમાં કેન્દ્ર સરકાર દ્વારા અલગ “કેન્દ્રીય ગૌસેવા મંત્રાલય” રચવાની તેમજ સમગ્ર દેશમાં ગૌ સંરક્ષણ માટે એક સમાન કડક કાયદો અમલમાં મૂકવાની માગ કરવામાં આવી છે. ગૌવંશની તસ્કરી અને ગેરકાયદેસર કતલને સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. રાસાયણિક ખેતીના વધતા પ્રભાવ વચ્ચે ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત દરેક ગ્રામ પંચાયત સ્તરે નંદીશાળા, જિલ્લા સ્તરે આદર્શ ગૌઅભ્યારણ્ય, રાજમાર્ગો પર ગૌ-એમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ ઉભી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. શાળાના અભ્યાસક્રમમાં “ગૌવિજ્ઞાન”ને સામેલ કરવા અને ગૌચર જમીનોના સંરક્ષણ માટે અલગ નીતિ ઘડવાની પણ માંગ ઉઠી છે. અભિયાન સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે કે ગૌવંશનું સંરક્ષણ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક, આર્થિક અને પર્યાવરણીય દૃષ્ટિએ પણ અત્યંત જરૂરી છે.











