નવીન: દક્ષિણ ગુજરાતના ઘન જંગલો કુદરતના અમૂલ્ય ખજાનાથી ભરપૂર છે. આ જંગલોમાં એક એવું વૃક્ષ છે જેના દરેક ભાગને ઔષધીય મહત્તા પ્રાપ્ત છે – તે છે બહેડા (બેડા). સ્થાનિક લોકો અને આદિવાસી સમાજમાં બહેડાને માત્ર જંગલી ફળ તરીકે જાણવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો મહિમા અત્યંત વિશાળ છે. બહેડા, હરડે અને આંવળા સાથે મળીને બનતી ત્રિફળા સમગ્ર શરીરને શુદ્ધ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રસિદ્ધ છે.
બહેડાનું વર્ણન
બહેડાનું ફળ બહારથી ભૂરાશ પડતું અને કઠણ હોય છે, જ્યારે અંદરથી પીળાશ પડતા બીજ હોય છે. આદિવાસીઓ આ ફળને જંગલમાંથી એકત્ર કરે છે. બહેડાના અનેક ઉપયોગો: ફળ અને બીજ: ઔષધીય તેલ અને દવાઓમાં વપરાય છે, છાલ: દવા અને કુદરતી રંગ તરીકે વપરાય છે, ગુંદર: વિવિધ ઔષધીય તૈયારીઓમાં ઉપયોગી લાકડું: ફર્નિચર અને અન્ય લાકડાના કામમાં વપરાય છે
ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત અને નર્મદા જિલ્લાના જંગલોમાં બહેડા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ફળની મધ્યપ્રદેશની નીમચ-મંદસૌર અને મહારાષ્ટ્રના નાશિક જેવી મોટી ઔષધીય મંડીઓમાં સારી માંગ છે.
વૈદ્યોનું કહેવું છે કે બહેડાનો ઉપયોગ હંમેશા મર્યાદિત માત્રામાં અને વૈદ્યની સલાહથી જ કરવો જોઈએ. વધુ માત્રામાં લેવાથી ઝાડા, ઉલટી કે અન્ય તકલીફો થઈ શકે છે.
આજે જ્યારે પર્યાવરણ અને આરોગ્ય બંને મોટી ચિંતાના વિષય બની ગયા છે, ત્યારે બહેડા જેવા વૃક્ષો આપણને યાદ અપાવે છે કે કુદરત આપણને શું આપી રહી છે. આવા અમૂલ્ય વૃક્ષોને સાચવવા, વાવવા અને આગામી પેઢી સુધી પહોંચાડવા એ આપણી સામૂહિક જવાબદારી છે. પ્રકૃતિ આપણને બધું આપે છે. ફક્ત ઓળખવાની અને સંરક્ષણ કરવાની જરૂર છે.
BY: હેમંત વસાવા











