ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કચેરીનો આશરે ૧૫૦થી વધુ ખેડૂતોએ ઘેરાવો કરી તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ૨૦૨૩માં તેમની જમીનમાંથી પાઈપલાઈન પસાર કરવા દીધા હતા, પરંતુ ત્રણ વર્ષ પછી પણ વળતર ન મળતા આ આંદોલન કરવું પડ્યું છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, નાની ઢોલ ડુંગરી, રાજપુર તલાટ, વિરવલ, ખટાણા સહિતના ગામોના ખેડૂતોની જમીનમાંથી ૨૦૨૩માં પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારે અધિકારીઓએ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવીને તાત્કાલિક વળતર આપવાનું આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોએ પણ વળતરની ખાતરી સાથે સંમતિ આપી હતી. પરંતુ આજદિન સુધી એક પણ ખેડૂતને વળતર ચૂકવવામાં આવ્યું નથી.
Decision News ને મળેલી માહિતી મુજબ આજના ઘેરાવા દરમિયાન ખેડૂતોએ જવાબદાર અધિકારીઓ સમક્ષ મુદ્દો રજૂ કર્યો. અધિકારીઓએ ફરીથી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને તાત્કાલિક વળતર આપવાની બાંહેધરી આપી છે. તેમ છતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, “અમે અમારા કામકાજ છોડીને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા, પરંતુ ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. જો આ વખતે તાત્કાલિક વળતર નહીં મળે તો અમે પાઈપલાઈન ખોદીને બહાર કાઢીશું અને NHAI 56 રોડ પર ચક્કાજામ કરીશું.” આ મામલે ખેડૂતોના આગેવાનોએ વહીવટી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુ વિવાદ ટાળવા માટે જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે.











