વલસાડ: વીજ વિભાગના ડુંગરી સબડિવિઝન હેઠળ આવતા 27 આદિવાસી ગામોમાં રાત્રીના સમયે માત્ર બે જ સ્ટાફ હોવાથી વીજ ક્ષતિ અને ફરિયાદોના ઢગલાભેર કેસો વચ્ચે સામાન્ય ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે તીઘરા ગામના સક્રિય આગેવાન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલને રજૂઆત કરી હતી.

આ રજૂઆતને લઈને ડો. નિરવ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ વિભાગના વલસાડ જિલ્લાના અધિક્ષક ઈજનેરને વ્યક્તિગત રીતે મળીને ડુંગરી સબડિવિઝનમાં રાત્રી સ્ટાફ વધારવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. “રાત્રી દરમિયાન વીજ ક્ષતિ થાય અથવા લાઈટ જાય તો વિભાગના કર્મચારીઓ પાસે ઢગલાબંધ ફરિયાદો હોવાથી સમયસર પહોંચી જ શકતા નથી. અમારે ઘણી વખત રાતોરાત મચ્છરોના કરડાથી પરેશાન થતા પરસેવે રેબઝેબ થઈને વિતાવવી પડે છે. હવે ચોમાસુ શરૂ થવાનું છે ત્યારે આ સમસ્યા વધુ વકરશે. અમે અધિક્ષક ઈજનેર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તાત્કાલિક સ્ટાફ વધારીને ગ્રામજનોની હાલાકી દૂર કરે.”

આદિવાસી વિસ્તારોમાં વીજ સપ્લાયની સમસ્યા વારંવાર સામે આવતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે તાત્કાલિક સેવા ઉપલબ્ધ ન થવાથી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને વધુ મુશ્કેલી પડે છે. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે અધિક્ષક ઈજનેર આ મુદ્દે સકારાત્મક અને ત્વરિત કાર્યવાહી કરશે તેવી આશા છે, જેથી ગ્રામજનોને વીજ સેવાનો સરળ અને સમયસર લાભ મળી શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here