માંગરોળ: માંગરોળ જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય માહોલ વધુ તંગ બનતો જાય છે. આપ પાર્ટીના ઉમેદવારને એક વર્ષ અગાઉ થયેલી ધાક-ધમકી સંબંધિત ફરિયાદના આધારે તડીપાર કરવાની નોટિસ ફટકારવામાં આવતા રાજકીય વિવાદ ઉભો થયો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 56(ક) હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ઉમેદવારને સુરત સહિતના અનેક જિલ્લાઓમાંથી બે વર્ષ માટે હદપાર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ મામલે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, માંડવી ખાતે નોટિસ આપી ઉમેદવારને પોતાની તરફથી જવાબ રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે.

આ મુદ્દે એડવોકેટ સહદેવ વસાવાએ તંત્રની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નોટિસને “સ્પષ્ટ રાજકીય કિન્નાખોરી” ગણાવીને કહ્યું કે ભાજપ પક્ષ હવે આદિવાસી વિસ્તારમાં મત માંગવા જઇ શકતું નથી, કારણ કે સ્થાનિક મતદારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

વસાવાના જણાવ્યા અનુસાર, “મતદારોમાં ઊભેલા આ વિરોધને કારણે ભાજપ ગભરાઈ ગયું છે અને ઉમેદવારોમાં ભય ફેલાવવા માટે તંત્રનો ઉપયોગ કરીને કાવાદાવા કરવામાં આવી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નોટિસનો કાયદેસર રીતે જવાબ આપવામાં આવી ચૂક્યો છે અને આગળ પણ કાનૂની લડત લડીને સત્ય બહાર લાવવામાં આવશે. હાલમાં આ મુદ્દો રાજકીય તેમજ કાનૂની રીતે ગરમાયો છે, અને આવનારા દિવસોમાં આ કેસ વધુ ચર્ચાનો વિષય બને તેવી શક્યતા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here