ચીખલી: આદિવાસી વિસ્તારના ચીખલી તાલુકા કાકડવેલ ગામના આદિવાસી સમાજના શિક્ષક દંપતીના પુત્ર ડૉ. તન્મય ઈશ્વરભાઈ પટેલે પોતાની મહેનત અને લગનથી MBBSની ડિગ્રી મેળવીને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ રચ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબચીખલી તાલુકાના કાકડવેલ ગામના આદિવાસી શિક્ષક દંપતી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રીમતી સરસ્વતીબેન પટેલ અંબાચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના મોટા પુત્ર તન્મયે ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ આ જ સરકારી પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હતું. આજે તેમની બે દીકરીઓ પણ MBBSનો અભ્યાસ કરી રહી છે. 17 એપ્રિલ, 2026 ના રોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા ખાતે યોજાયેલા ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહમાં ડૉ. તન્મય પટેલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS)ની પદવી હાંસલ કરી છે. આ પ્રસંગે તેમણે હિપ્પોક્રેટિક શપથ લઈને માનવસેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ડૉ. તન્મય પટેલની આ સિદ્ધિ તેમના પરિવાર, શિક્ષકો, ગામના આદિવાસી સમાજ તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટું ગૌરવ છે. આ સફળતા સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારે છે અને દર્શાવે છે કે મહેનત અને સારા માર્ગદર્શનથી ગમે તેવા પરિસ્થિતિમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે.
પ્રસંગે પરિવારજનો, શિક્ષકો અને શુભેચ્છકોએ ડૉ. તન્મય પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેઓ આરોગ્ય ક્ષેત્રે સેવા આપીને સમાજના કલ્યાણમાં મહત્વનું યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











