નવસારી: આજરોજ નવસારી મહાનગરપાલિકા બનવાની સાથે ટાઉનપ્લાનિંગ અને વિકાસકામોના નામે છેલ્લા 3-4 પેઢીઓથી રહેતા 55-60 જેટલાં વિસ્તારોના આદિવાસી પરિવારોને ઘરખાલી કરવાની નોટિસો મળતા 35000 કરતા વધારે લોકો બેઘર બને એવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેનાથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશની લાગણી ઉભી થઇ છે.
આદિવાસી જનજાગૃતિ સમિતિના કમલેશ પટેલ, મનહર ઢોડિયા, ડો.ચેતન પટેલ, શૈલેષ પટેલ, ધર્મેશ પટેલ ડીજે, નિકુલ પટેલ, રમેશ પટેલ, ધર્મેશ પટેલ, દિનેશ રાઠોડ, વનિતા પવાર, રેખા પટેલ, દીપક રાઠોડ, વિજય પટેલ, હરીશ નાયકા, અરવિંદ પટેલ, રક્ષા પટેલ, સેજલ નાયકા, દર્શના નાયકા, કેતન પટેલ, લક્ષ્મીબેન, મધુબેન, ઉષાબેન, જયાબેન, જયશ્રી રાઠોડ, મંજુલા પટેલ, વિજય વિજુ, ઉમેશ રાઠોડ, નિખિલ, કાર્તિક વગેરેના નેજા હેઠળ વિવિધ વિસ્તારોમાં અનેક જનજાગૃતિ મિટિંગોનું આયોજન કરી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રેલી મહાનગરપાલિકાની ઓફિસથી કલેકટર ઓફિસ સુધી આશરે 10 હજાર કરતા વધુ લોકો સાથે મહારેલી નીકળી હતી. મનપા કમિશનરે અને ડેપ્યુટી કમિશનરે પ્રોટોકોલના નામે હજારોની જનમેદનીને મુલાકાત માટે સમય નહીં આપતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને લોકોએ હુરિયો બોલાવ્યો હતો ત્યારબાદ નવસારી કલેકટર ક્ષિપ્રા અગ્રેએ આગેવાનોને શાંતિથી સાંભળ્યા હતા.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે વિકાસ પ્રોજેક્ટોના નામ પર ઠેર ઠેર આદિવાસીઓને જમીનોમાંથી બેદખલ કરવામાં આવી રહ્યા છે અને આદિવાસીઓને બિનજરૂરી રીતે તંત્ર સામે સંઘર્ષમાં ઉતરવાની નોબત આવી રહી છે.આજે મનપાના કમિશનરે અને ડેપ્યુટી કમિશનરે જે હરકત કરી છે તે ખુબ જ નિંદનીય છે.પોતે સરકારી એસી કેબિનમાં બેસીને ગરીબ પરિવારોને 2-3 કલાક ખોટીરીતે ધોમધખતા તાપમાં બેસાડી હેરાન કરવામાં શરમ આવવી જોઈએ.એલોકોથી એક ઘર તો બનાવાતું નથી અને ઉપરથી રાજા હોય તેવો રોફ જમાવે છે તે કોઈકાળે સ્વીકાર્ય નથી.ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર બનશે તો કમિશનર અને ડેપ્યુટી કમિશનરનો ઘેરાવો અને જનઆંદોલન કરતા અચકાઈશું નહીં તે બાબતની તંત્ર ગંભીરતાથી નોંધ લે એવી અમારી અપેક્ષા છે.











