નવીન: માત્ર રાજીનામું ? FIR નહીં ? જસ્ટિસ યશવંત વર્માએ 9 એપ્રિલ 2026ના રોજ તેમના પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, “ખૂબ દુ:ખ સાથે, હું તાત્કાલિક અસરથી અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પદ પરથી મારું રાજીનામું આપું છું.”
14 માર્ચ, 2025 ના રોજ, તેમના દિલ્હી નિવાસસ્થાને આગ લાગવા દરમિયાન, 500 રૂપિયાની નોટોના બળી ગયેલા બંડલ મળી આવ્યા હતા. આ ઘટનાએ ન્યાયિક અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો. આ વિવાદને કારણે, તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ ન્યાયાધીશ વર્માની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ તપાસ તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી બિનહિસાબી રોકડ મળી આવવાના કથિત સંદર્ભમાં હાથ ધરવામાં આવી હતી.
સમિતિના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ વાસુદેવ આચાર્યનો સમાવેશ થાય છે. લોકસભાના 146 સભ્યોએ ન્યાયાધીશ વર્માને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ લોકસભા અધ્યક્ષે આ સમિતિની રચના કરી હતી.
તેમની બદલી બાદ, તેમને 5 એપ્રિલ, 2025 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા, પરંતુ તેમને કોઈ ન્યાયિક ફરજો સોંપવામાં આવી ન હતી. તેમની સામેની આંતરિક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક ફરજોથી દૂર રાખવામાં આવ્યા હતા.
જસ્ટિસ વર્માએ તેમની સામેના મહાભિયોગ પ્રસ્તાવને પડકાર્યો. તેમણે દલીલ કરી હતી કે આ પ્રસ્તાવ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યસભાએ તેને મંજૂરી આપી ન હતી. આમ છતાં, લોકસભાએ એકલા એક તપાસ સમિતિની રચના કરી, જેને તેમણે નિયમોની વિરુદ્ધ ગણાવી.
આખો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. 8 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ વર્માને સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય આપવાનો ઇનકાર કર્યો હતો.
7 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે લોકસભા અધ્યક્ષ દ્વારા રચાયેલી સંસદીય તપાસ પેનલમાં કેટલીક ખામીઓ નોંધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશોની તપાસ અધિનિયમ હેઠળ, લોકસભા અધ્યક્ષને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે સમિતિની રચના કરવાનો અધિકાર છે, ભલે રાજ્યસભામાં પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો હોય. આ પહેલા, 16 ડિસેમ્બર 2025 ના રોજ, સુપ્રીમ કોર્ટે ઓમ બિરલાને નોટિસ ફટકારી હતી. કોર્ટે લોકસભા સ્પીકરના કાર્યાલય અને સંસદના બંને ગૃહોના સેક્રેટરી જનરલ પાસેથી જવાબ માંગ્યા હતા. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ દત્તાએ પ્રશ્ન કર્યો હતો કે રાજ્યસભામાં પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો હતો ત્યારે લોકસભામાં સમિતિની રચના કેવી રીતે કરવામાં આવી ?
આ સમગ્ર ઘટનાએ ન્યાયતંત્ર અને સંસદના અધિકારો વિશે ચર્ચા જગાવી છે. ન્યાયાધીશ યશવંત વર્માના રાજીનામાને આ મામલે એક મુખ્ય વળાંક માનવામાં આવે છે, જ્યારે બધાની નજર આગળની કાર્યવાહી અને તપાસ પર છે.
BY: રમેશ સવાણી











