વાંસદા: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા દુઃખ અને વીરતાનું પ્રતીક રહ્યો છે. આજે જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ છે. વર્ષ ૧૯૧૯ના આ જ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં બ્રિટિશ જનરલ રેજિનાલ્ડ ડાયરના આદેશથી નિર્દયતાપૂર્વક કરવામાં આવેલા ગોળીબારમાં સેંકડો નિર્દોષ અને નિઃશસ્ત્ર ભારતીયોના લોહીથી જમીન લાલ થઈ ગઈ હતી.
બૈસાખીના પવિત્ર તહેવારના અવસરે હજારો લોકો પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે એકત્ર થયા હતા. કોઈ પણ પ્રકારની ચેતવણી વિના અચાનક બ્રિટિશ સેનાએ બાગના એકમાત્ર નાનકડા પ્રવેશદ્વાર પરથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. અંદાજે 10 મિનિટ સુધી ચાલેલા આ ગોળીબારમાં અધિકૃત આંકડા મુજબ 379 લોકો શહીદ થયા હતા, જ્યારે ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અનેક મહિલાઓ અને બાળકો પણ આ દુષ્કૃત્યના ભોગ બન્યા હતા.
આ કરુણ ઘટનાએ સમગ્ર ભારતમાં આક્રોશની આગ સળગાવી દીધી. જલિયાંવાલા બાગના નરસંહારે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય આંદોલનને વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી દીધું. મહાત્મા ગાંધીજીએ આ ઘટનાને ‘અન્યાયની પરાકાષ્ઠા’ તરીકે વર્ણવી હતી અને તે પછી અસહયોગ આંદોલનને વેગ મળ્યો. આજે અમૃતસરમાં જલિયાંવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે. સવારથી જ અહીં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકોની ભીડ ઊમટી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
અનંત પટેલે કહ્યું કે, “જલિયાંવાલા બાગના શહીદોના બલિદાનને ક્યારેય વિસારી શકાય નહીં. તેમની વીરતા અને કુર્બાની આજે પણ દરેક ભારતવાસીને દેશસેવા અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણા આપે છે.” જલિયાંવાલા બાગના શહીદોની યાદમાં આજે દેશભરમાં લોકો તેમને શ્રધ્ધાંજલિ આપી કરી રહ્યા છે.











