નવસારી: ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન મુકેશભાઈ દેવજીભાઈ બોરીચાનું નવસારી ખાતે ખૂબ જ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લે આસામમાં પોતાની ફરજ બજાવી નિવૃત્તિ બાદ જ્યારે તેઓ નવસારી રેલવે સ્ટેશન પહોંચ્યા, ત્યારે રેલવે સ્ટેશનથી લઈને જલાલપોર લીમડા ચોક અને ત્યાંથી કિરણનગર સુધી ઢોલ-નગારા અને દેશભક્તિના નારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવસારીના વિદ્વાન વકીલશ્રી પરેશભાઈ વાટવેચાના લીધે અમારી ટીમના મયુર અને પથિકને આ ભવ્ય રેલીમાં અને મહાન દેશ ભારતના વીર સૈનિકનું સન્માન કરવામાં સહયોગ કરવાનો મોકો મળ્યો જે અમારા માટે ખુબ જ ગર્વની વાત છે.સૈનિકો દેશની સરહદો પર જીવની બાજી લગાવી દેશનું રક્ષણ કરતા હોય છે ત્યારે આપણા સહુની પણ ફરજ બને છે કે એમનું આવું ભવ્ય સન્માન કર્યે અને દેશની સ્વચ્છતા,સુંદરતા અને અમન જાળવવામાં સહભાગી બન્યે.આ રેલીમાં ઉપસ્થિત સૌ કોઈએ દેશના જવાનની સેવા અને ત્યાગને વંદન કર્યા હતા.નવસારીના રાજમાર્ગો પર નીકળેલી આ સન્માન રેલી નગરજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને યુવાનો માટે દેશસેવાની પ્રેરણા પૂરી પાડી હતી.

આ રેલીમાં નવસારીના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં સામાજિક આગેવાન નાનજીભાઈ લાખાભાઈ લુહાર, એડવોકેટ પરેશભાઈ વાટવેચા, વિપુલભાઈ મકવાણા, કેશુભાઈ બોરીચા તેમજ રમેશભાઈ વાળા સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી મુકેશભાઈની દેશભક્તિને બિરદાવી હતી.જલાલપોરની કિરણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈના સેવા નિવૃત્તિ પ્રસંગને પરિવારે અને સમગ્ર સમાજે અને નવસારીના લોકોએ એક ઉત્સવની જેમ ઉજવ્યો હતો.વર્ષો સુધી આસામ જેવી દુર્ગમ સરહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થઈને માતૃભૂમિ પરત ફરેલા મુકેશભાઈ બોરીચાનું પુષ્પહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here