નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા સ્થિત ચિરંજીવી હોસ્પિટલ ખાતે રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રક્તદાન કરીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.જેમાં કાપરડા ના મામલતદાર સંજય ટેલર દ્વારા 40 મી વાર રક્તદાન કર્યુ હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે બ્લડ સ્ટોરેજ એન્ડ ડિસ્પેચ સેન્ટરનું લોકાર્પણ વાપી સલવાવ ગુરુકુલના કપિલ સ્વામીજી, ડૉ. જયદીપભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કપિલ સ્વામીજીએ પોતાના સંબોધનમાં ડૉ. દિવ્યેશ ચૌધરીની તબીબી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે નાનાપોંઢા જેવા આદિવાસી વિસ્તારમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થવું અત્યંત મહત્વપૂર્ણ છે, જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.
હવે સુધી લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીઓને વાપી અથવા વલસાડ સુધી જવું પડતું હતું, પરંતુ હવે ચિરંજીવી હોસ્પિટલમાં જ આ સુવિધા ઉપલબ્ધ થતા સમયસર સારવાર મળી શકશે. ઉલ્લેખનીય છે કે આ બ્લડ સ્ટોરેજ અને ડિસ્પેચ સેન્ટર માટે ચિરંજીવી હોસ્પિટલના ડૉ. દિવ્યેશ ચૌધરીએ સ્થળ માટે તાત્કાલિક મંજૂરી આપી હતી. ત્યારબાદ વાપીના દાતા અગ્રવાલ પરિવાર દ્વારા જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી, જેના પરિણામે ટૂંકા ગાળામાં આ સુવિધાનું લોકાર્પણ શક્ય બન્યું.











