દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજની સૌથી શિક્ષિત અને પ્રગતિશીલ ગણાતી ઢોડિયા જ્ઞાતિના પૂર્વજો વર્ષોથી ધના-રૂપાની પૂજા કરતા આવેલ પરંતુ આધુનિકીકરણની આંધળી દોડમા ઢોડિયા જ્ઞાતિ પણ બાકાત નહીં રહેતા સંસ્કૃતિથી વિખુટી પડવા લાગેલ પરંતુ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોના અથાગ પ્રયત્નોથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાની શરૂઆત થતા ધીરે ધીરે સમાજના લોકો વિસરાયેલી સંસ્કૃતિ તરફ પરત વળવા લાગ્યા.સંસ્કૃતિ જાળવવાના ભાગરૂપે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે જયેશભાઇ પીડિયાભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, આદિવાસી પોશાકવાળા બાબુકાકા, ચંપકભાઈ તુરવાળા, મીનાબેન, નિલય, હાર્દિક, સરોજબેન વગેરે દ્વારા ધના રૂપા મંદિરનો જીર્ણોધ્ધાર કરવા માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા, ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ પટેલ, ડાંગના લોકપ્રિય વરિષ્ઠ તબીબ ડો.એ જી પટેલ, આદિવાસી સમાજ વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા,આમ આદમી પાર્ટી નેતા કમલેશભાઈ પટેલ, ભગવતીબેન માહલા, માજી સરપંચ દિલીપભાઈ પટેલ, કલ્પેશ પટેલ, ઉપસરપંચ વિલિયમ પટેલ, હેમંતભાઈ, ચંદ્રકાન્તભાઈ ખરોલી, તિલકભાઈ, નિતેશભાઈ, મુકેશભાઈ, કાર્તિક, રોહિત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આપવામાં આવેલ ભાવવાહી વક્તવ્યમા તમામ ગ્રામજનો ઓતપ્રોત થયા હતા.
ડો.નિરવ પટેલે રાજપુરી તલાટની ધરતીનો આભાર માનતા જણાવેલ કે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ વિજેતા માતૃશ્રી ચિંતુબેન ભુલાભાઇ પટેલ મોસાળમા રહીને જિંદગીના પાઠ શીખ્યા હતા. તમામ આગેવાનોએ આદિવાસી સમાજના મહાન પૂર્વજો પ્રકૃતિપ્રેમી અને ધના એટલે કે ધાન્ય, રૂપા એટલે ઓજાર, રૂપિયા અને ખત્રી એટલે કે પોતાના પૂર્વજોની પૂજા કરતા આવેલ, પરંતુ કેટલાક મનુવાદી લેખકોએ તેને મનઘડંત વાર્તા ઉપજાવી લાંબા સમયસુધી ભ્રમિત કરતા આવેલ જેનો હવે અંત લાવવાની જરૂર પર પણ ભાર મુક્યો હતો. આ ઉપરાંત આગેવાનોએ યુવાનોમાં વધી રહેલ વ્યસન, અંધશ્રદ્ધા,લોભ લાલચ અને સ્વાસ્થ્ય પ્રત્યે ઘટતી સભાનતા,ગરીબ યુવતીઓનું બિનઆદિવાસી વિસ્તારોમાં વેચાણ, ઉદ્યોગપતિઓના વધુ માલેતુજાર બનાવવા વિસ્તારોમાં આવી રહેલ પ્રોજેકટોથી પર્યાવરણને થનાર નુકસાનની ચિંતા વ્યક્ત કરી હતી.
ઉપરાંત ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ ગાય અને દીકરી ક્યારેય વેચવી નહીં એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમા કલ્પેશ પટેલની ઘેરીયા ટીમે, નેન્સી પાણીખડક, જીયા, વેન્સી, વૃત્તિ, નેન્સી વસાવા, શ્રદ્ધા ટ્રાયબલ, જામનપાડાના કાહડી અને તૂરવાળાઓ, ડોલવણના તુરવાળા સહિતની કૃતિઓએ ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. અશોકભાઈ સોલંકી, ડાંગના મંગીબેન ખાસે, રેખાબેન દળવી સહીત ખાનાખજાના અને આદિવાસી જડીબુટ્ટીઓના સ્ટોલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી.











