વલસાડ: તીઘરા ગામ તથા આસપાસના વિસ્તારોના લોકોની રોજિંદી જિંદગીને અસર કરતા બે મુખ્ય રસ્તાઓની અતિશય જર્જરિત હાલતને લઈને સામાજિક આગેવાન મુકેશ પટેલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઔપચારિક માંગ કરી છે. આ માંગમાં તીઘરા મુખ્ય રોડથી સ્મશાનભૂમિ સુધીનો દોઢ કિલોમીટરનો રસ્તો તથા તીઘરા નહેર ફળિયાથી અતુલ ફળિયા સુધીનો ૪૦૦ મીટરનો રસ્તો તાત્કાલિક બનાવવાની માગણી કરવામાં આવી છે.
ગામના મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ બંને રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વરસાદી પાણી અને વાહનોના વારંવારના ઉપયોગને કારણે રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે. ખેતી, શિક્ષણ, તબીબી સારવાર તથા સ્મશાનભૂમિ જવા માટે આ રસ્તાઓનો દરરોજ ઉપયોગ કરતા ગ્રામજનોને ભારે હેરાનીનો સામનો કરવો પડે છે. તેમણે લોકહિતને ધ્યાનમાં લઈને આ રસ્તાઓ નવા બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી છે.
ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન તથા યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ વિષયને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમણે કહ્યું, “તીઘરા ગામના આ બંને રસ્તાઓ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોના વિશાળ હિતને ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ નિયમો અનુસાર પ્રક્રિયા હાથ ધરી ચોમાસા પહેલાં જ આ રસ્તાઓ બનાવી આપવા જોઈએ. આથી લોકોને રોજિંદા જીવનમાં મોટી સુવિધા મળશે.” સ્થાનિક ગ્રામજનોના મતે આ રસ્તાઓનું નિર્માણ થાય તો ખેતી-કામ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા તબીબી કામ માટે જતા લોકોને વર્ષોથી પીડાતી મુશ્કેલીનો અંત આવશે.











