બિહાર: નાલંદા જિલ્લામાં નૂરસરાય (નોરસરાય) પોલીસ સ્ટેશન વિસ્તારના અજયપુર ગામમાં 26 માર્ચ 2026ના રોજ સાંજે શરમજનક ઘટના બની. એક 20 વર્ષની વિવાહિત મહિલા (બે-ત્રણ બાળકોની માતા) કરિયાણાની દુકાનેથી ઘરે પરત આવતી હતી ત્યારે ત્રણ યુવકોએ (આશોક યાદવ, મહાલુ/મતલુ મહતો/ રવિકાંત કુમાર) તેને પકડી લીધી. ત્રણેયે તેને જમીન પર પછાડી દીધી. મહાલુ મહતોએ તેની છાતી પર હાથ નાખ્યો અને જબરદસ્તી કરવા લાગ્યો. તેના કપડાં ફાડી નાખ્યા, અર્ધ-નગ્ન અવસ્થામાં રસ્તા પર ઘસીને ફેરવી-પેરેડ કરાવી, અને ગેંગ-રેપનો પ્રયાસ કર્યો.

તેમણે આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મહિલાએ ચીસો પાડી ત્યારે ગામવાસીઓ ભેગા થયા અને તેને બચાવી. આરોપીએ આવું કેમ કર્યું ? આ ત્રણેય આરોપીઓ સ્વઘોષિત ‘સંસ્કૃતિ પોલીસ’ હતા! ત્રણેય માનતા હતા કે આ મહિલાને પરપુરુષ સાથે અફેર છે. મહિલા મોબાઈલ રિપેર કરાવવા ગઈ હતી ત્યારે કોઈ ટેક્નિશિયન સાથે જોવા મળી હતી. ખલાસ! સજા કરવી પડે! સ્થાનિક ‘ગુંડા-પોલીસે’ તેને નજરમાં રાખી હતી અને આ તક મળતાં સજા કરવા તેની ‘ઇજ્જત લૂંટવા’નો પ્રયાસ કર્યો.

આ આરોપીઓના ગળામાં ભગવો ગમચો હતો. ગળામાં ભગવા સ્કાર્ફ પહેરીને, તેઓ પોતાને હિન્દુ અને ધાર્મિક બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સત્ય એ છે કે ધાર્મિકતા તેમના કપડાંના રંગથી નહીં પરંતુ તેમના આચરણથી વ્યક્ત થતી હોય છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે 27 માર્ચે FIR નોંધી. આશોક યાદવ અને મતલુ મહતોની અટકાયત કરી; રવિકાંત હજુ ફરાર છે.

આવી ઘટનાઓ પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શું છે ? [1] યૌન અધિકારભાવ (sexual entitlement): કેટલાક પુરુષો મહિલાઓને ‘વસ્તુ’ માને છે અને જાહેરમાં પણ તેમના પર કાબૂ મેળવવાનો આનંદ મેળવે છે. [2] મોબ મેન્ટાલિટી (deindividuation): જૂથમાં હોવાથી વ્યક્તિગત જવાબદારી ઓછી થાય છે અને અસંયમી વર્તન વધે છે. [3] નિરાશા-આક્રોશ (frustration- aggression): બેરોજગારી, આર્થિક તણાવ અથવા વ્યક્તિગત નિષ્ફળતા યૌન હિંસા તરફ વાળે છે. [4] મોરલ પોલિસિંગ: અફેરની શંકામાં મહિલાને ‘સજા’ આપવાના નામે યૌન શોષણ. આમાં પાવર અને કંટ્રોલની ભૂખ હોય છે.

આવી ઘટનાઓ પાછળના સામાજિક કારણો શું હોય છે ? [1] પિતૃસત્તાક વ્યવસ્થા. મહિલાઓને હજુ પણ ‘સંપત્તિ’ તરીકે જોવામાં આવે છે. શિક્ષણ અને જાગૃતિની અછત. [2] બાયસ્ટેન્ડર ઇફેક્ટ: ઘણી વાર લોકો જુએ છે પણ રોકતા નથી. અહીં કેટલાકે બચાવી તો કેટલાકે મોબાઈલ ભાગ લીધો. [3] કાયદાની અમલવારીની કમજોરી અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ: વીડિયો બનાવીને વાયરલ કરવું ‘ટ્રોફી’ જેવું બની ગયું છે. બિહારના ઘણા ગામડામાં જાતિવાદ અને સ્થાનિક ‘દબંગો’નું વર્ચસ્વ છે.

આવી ઘટનાઓ પાછળના રાજકીય કારણો શું છે ? [1] કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા: મહિલાઓની સુરક્ષા પર સરકાર નિષ્ફળ છે. [2] બિહારમાં વિકાસ, રોજગાર અને શિક્ષણની કમીને કારણે સામાજિક અસંતોષ વધે છે, જે અપરાધ તરફ દોરી જાય છે. પોલીસ-પ્રશાસનમાં કેટલીક વાર સ્થાનિક અસર-દબાવ અને વિલંબ જોવા મળે છે. આ ઘટના અત્યંત નિંદનીય છે અને મહિલા સુરક્ષા, જાગૃતિ તેમજ કડક કાયદાકીય કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે.

2012 માં નિર્ભયાને ન્યાય અપાવવા લોકોએ દિલ્હી અને આખા દેશમાં ઊહાપોહ કર્યો હતો પણ છેલ્લા 12 વર્ષમાં બનેલ ડઝનબંધ બળાત્કાર/નગ્ન પરેડ/ ધાર્મિકસ્થળે યૌન શોષણ, જાણે સાવ નોર્મલ બની ગયું છે. ગમે એવી જઘન્ય ઘટના બને સમાજને કોઈ અસર જ થતી નથી! દોષિત બળાત્કારીઓ પેરોલ પર છૂટી ઉપદેશો આપે છે, રામમંદિરમાં તેમનું સ્વાગત થાય છે. બળાત્કારીઓને વહેલા જેલ મુક્ત કરવામાં આવે છે. બળાત્કારીઓના સમર્થનમાં રેલીઓ નીકળે છે. બળાત્કારીઓનું જાહેરમાં સન્માન થાય છે! યૌન શોષણખોર સતામાં છે. મૌન રહેનાર પણ આ શરમજનક ઘટના માટે જવાબદાર છે !

BY- રમેશ સવાણી [1 એપ્રિલ 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here