કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. 848 પર 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા7 લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી કુલ 28 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેનું પ્રમાણપત્ર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મીડિયા ના સહકારથી મૃતકોના પરિવારને તાત્કાલિક અસરથી આર્થિક સહાય મળી છે. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને બાળકોના શિક્ષણ સહિત અન્ય જરૂરી સહાય માટે પણ હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી.
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ મૃતકદીઠ 4 લાખની સહાય ખાસ કિસ્સા તરીકે મંજૂર કરવામાં આવી છે. કુલ 28 લાખની રકમ તા. ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કલેકટર વલસાડના નામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેશન રોડ શાખાના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ સહાય રકમ ડી.બી.ટી. પદ્ધતિ દ્વારા મૃતકોના વારસદારોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં આંબાજંગલ અને આસપાસના ગામોના રહેવાસીઓના મોત થયા હતા. દેવકીબેન કિશનભાઈ ગાંગોડા, દક્ષાબેન શિવરામભાઈ માંગી, કવસીબેન ગણેશભાઈ મિશાળ, જહિરામભાઈ લાહનુભાઈ સાનકરા, જયાબેન વિનોદભાઈ રાઉત અને સુરેખાબેન નરેશભાઈ પવાર સહિતના પરિવારજનોને સહાય આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ સરકારના આ નિર્ણયને પરિવાર માટે રાહતરૂપ ગણાવ્યો છે.











