દિલ્લી: ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં ગુજરાતના જાણીતા આદિવાસી કવિ-લેખક કુલીન પટેલએ ધોડીઆ ભાષામાં કાવ્યપઠન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
25 અને 26 માર્ચે યોજાયેલા આ બે દિવસીય મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય આદિવાસી કાર્ય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે કરવામાં આવ્યો હતો. કુલીન પટેલે કાર્યક્રમમાં “ધોડીઆ ભાષા સમિતિ”ની કામગીરી વિશે જાણકારી આપી અને પોતાની જન્મભાષા ધોડીઆમાં કવિતા રજૂ કરી. તેમની કવિતામાં આદિવાસી જીવન, ગ્રામ્ય વિસ્તારના તર્ક અને જ્ઞાન તેમજ શહેરીજનોએ આ તરફ વધુ વિચારવું જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.
કવિતા સત્રના અધ્યક્ષ ચિત્તરંજન ત્રિપાઠી (ફિલ્મ ડાયરેક્ટર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ડાયરેક્ટર)એ કુલીન પટેલની રજૂઆતની સરાહના કરતાં તેમના અવાજની જોરદારીનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમના અંતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના નિર્દેશક પ્રો. ડૉ. રમેશ ગૌરના હસ્તે કુલીન પટેલને અંગવસ્ત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાય દ્વારા બોલાતી ધોડીઆ ભાષાને કુલીન પટેલે વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કરી છે. આ મહોત્સવમાં ધોડીઆ ભાષાને મળેલું વિશિષ્ટ સન્માન ધોડીઆ આદિવાસી સમુદાય માટે ગૌરવની વાત છે.
કાર્યક્રમમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સાહિત્યકારો અને અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના નિર્દેશક અમિતાભ પાંડે, અલીપુર યુનિવર્સિટી (પશ્ચિમ બંગાળ)ના કુલપતિ સરિત ચૌધુરી સહિત અનેક વિદ્વાનો હાજર રહ્યા હતા.











