નવસારી: 20 માર્ચ, આજે આદિવાસી સમાજના મહાન નેતા, ખેલાડી, લેખક અને સંવિધાનસભાના પ્રતિનિધિ જયપાલસિંહ મુંડાના સ્મૃતિ દિવસ પર દેશભરમાં આદિવાસી અસ્મિતા, અધિકારો અને ગૌરવના સશક્ત પ્રતીક તરીકે તેમને વિનમ્ર અભિવાદન અર્પણ કરવામાં આવી રહ્યા છે. તેઓ “મરાંગ ગોમકે” તરીકે આદિવાસીઓમાં અમર થઈ ગયા છે.

જયપાલસિંહ મુંડાનો જન્મ 3 જાન્યુઆરી 1903 ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ટકરા ગામમાં મુંડા આદિવાસી પરિવારમાં થયો હતો. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે ભણ્યા અને ૧૯૨૮ની એમ્સ્ટરડમ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે સુવર્ણ પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. ભારતીય હોકીના પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ પદકમાં તેમનું યોગદાન અમર છે.

સ્વતંત્રતા પછી સંવિધાનસભામાં તેમણે આદિવાસીઓના અધિકારો, જમીન, અસ્મિતા અને સ્વાયત્તતાના મુદ્દાઓને મજબૂત અવાજ આપ્યો. ઝારખંડ રાજ્યની રચના માટેની લડતમાં તેઓ અગ્રણી રહ્યા અને આદિવાસી મહાસભા તથા ઝારખંડ પાર્ટી દ્વારા સમુદાયના હિતોનું રક્ષણ કર્યું. તેમના પ્રયાસોથી આદિવાસીઓની અસ્મિતા અને અધિકારોને નવું બળ મળ્યું.

20 માર્ચ 1970 ના રોજ તેમનું નિધન થયું હતું તે નિમિત્તે સ્મૃતિ દિવસ ઉજવણી કરવામાં આવે છે અને આદિવાસી સમાજ, રાજકીય નેતાઓ, ખેલાડીઓ અને સમાજસેવકો તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેમના આદર્શો આજે પણ આદિવાસી યુવાનોને પ્રેરણા આપે છે કે સંઘર્ષ અને શિક્ષણથી કોઈ પણ અસ્મિતા અને અધિકારોનું રક્ષણ થઈ શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here