રાજકોટ: મૂળ રાજકોટના પ્રદીપ જોટંગિયાએ સુરત કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના કિનારે ‘શ્રી સત્યમ્ યોગ ફાઉન્ડેશન’ નામે 2008માં આશ્રમ ઊભો કર્યો હતો. તે પોતાને અષ્ટાંગ યોગસિદ્ધ યોગગુરુ કહે છે. લોકો તેને ‘સદગુરુ પ્રદીપજી’ કહે છે. તે યોગ/ ધ્યાન/ આધ્યાત્મિક પ્રવચનો આપવાનું કામ કરે છે. અગાઉ તે રાજકોટમાં હેર કટિંગ સલૂન ‘સત્યમ હેર ડ્રેસર’ ચલાવતો હતો. પછી ત્યાં ‘પટેલ ફાઉન્ડેશન’ના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો.
અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે, 19 માર્ચ 2026ના રોજ, રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ફોર્ચ્યુનર ગાડીને ચેક કરતા ‘સદગુરુ પ્રદીપજી’ પાસેથી, રુપિયા 500ની 42,000 નકલી નોટો (કુલ ₹2.10 કરોડ) મળી હતી. તેની ગાડી પર “Shri Satyam Yog Foundation Recognized by Ayush Mantralay, Govt. of India” અને “VVVIP” સ્ટિકર લગાવીને સરકારી ઢોંગ કરતો હતો. એ પછી પોલીસે સુરતના તેના આશ્રમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી રુપિયા 500ની 28 લાખની નકલી નોટો મળી હતી. રુપિયા 500ની નકલી નોટનું પ્રિન્ટિંગ થતું હતું. લગભગ 2 કરોડથી વધુ નકલી નોટોનો જથ્થો મળ્યો છે. ચીનમાંથી (અલીબાબા જેવા પ્લેટફોર્મ પરથી) RBI જેવું સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવતા, ફોટો-એડિટિંગ સોફ્ટવેર અને AI (જેમ કે ChatGPT) વાપરીને ઉચ્ચ ક્વોલિટીની નોટો તૈયાર કરતો હતો.
પોલીસે 7 આરોપીઓ ‘સદગુરુ પ્રદીપજી’/ મુકેશ ઠુમ્મર/ અશોક માવાણી/ રમેશ ભલાર/ દિવ્યેશ રાણા/ ભરત કાકડીયા અને સુરતની એક મહિલાને અરેસ્ટ કરેલ છે.
થોડા મુદ્દાઓ:
[1] શું આ ‘સદગુરુ પ્રદીપજી’ના ભક્તોને ખબર જ ન પડી કે પોતાનો ગુરુ આશારામનો જેવો ઠગ છે? તેમના ભક્તો પણ કેવા! ‘સદગુરુ પ્રદીપજી’ ગળામાં સોનાનો લાંબો હાર પહેરીને યોગા કરે તે જોઈને આંખો ન ખૂલી જાય? વળી ભૂમિ માટે ડોનેશનની વારંવાર ટહેલ નાખે ત્યારે ભક્તોને આ હાર દેખાતો નહીં હોય ?
[2] ‘સદગુરુ પ્રદીપજી’ પોતાની કાર પર ‘Shri Satyam Yog Foundation Recognized by Ayush Mantralay, Govt. of India’ એવું ક્યા આધારે લખાવતો? શું તેણે Ayush Mantralayથી માન્યતા મેળવેલ હતી? આયુષ મંત્રાલયે ક્યા આધારે માન્યતા આપેલ ?
[3] ‘સદગુરુ પ્રદીપજી’એ સુરતમાં આશ્રમ/ ધામના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા છે અને છેતરપિંડી કરી છે. જેઓ પૈસા પરત માંગતા તેમને મારી નાખવાની ધમકી આપતો હતો. તે અંગે પોલીસ અલગ ગુનો દાખલ કરશે? 2018માં, પૈસાની ઉઘરાણી કરનારાઓને ડરાવવા આત્મહત્યાનું નાટક પણ તેણે કર્યું હતું!
[4] ‘સદગુરુ પ્રદીપજી’એ કોઈ મેડિકલ ડિગ્રી વગર ‘નીડલ પંચર’ (એક્યુપંક્ચર જેવી) સારવાર કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તેની તપાસ થશે ?
[5] ગુજરાત એટલે નકલી વ્યક્તિઓ/ નકલી કચેરીઓ/ નકલી ચીજવસ્તુઓનું પાવર હાઉસ! 2024માં અમદાવાદ/ ગાંધીનગરમાં Morris Samuel Christian (37 વર્ષ) ઝડપાયો. તેણે 2019થી 2024 સુધી નકલી arbitration tribunal (ફેક કોર્ટ) ચલાવીને લોકોને લેન્ડ ડિસ્પ્યુટમાં છેતર્યા હતા! 2023માં મોરબી જિલ્લામાં નકલી ટોલ પ્લાઝા ઝડપાયું હતું. તે 1 વર્ષથી, NH-8A પર વાહનોને બાયપાસ કરીને પૈસા વસૂલ કરતું હતું અને ₹75 કરોડથી વધુ કમાણી કરી હતી! 2025માં રાજકોટમાંથી નકલી IPS અધિકારી Vivek Dave ઝડપાયો હતો! 2025માં અમદાવાદમાંથી નકલી PSI Tarun Brahmbhatt ઝડપાયો હતો! 2026માં વડોદરામાંથી નકલી PSI Mobin Sodagar ઝડપાયો હતો! 2026માં સાબરકાંઠામાંથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ, જે યુરિયા, ડિટર્જન્ટથી દૂધ બનાવતી હતી! 2025માં સુરતમાંથી 25 ટન નકલી ઘી ઝડપાયું હતું! ગુજરાતમાં કેટલા નકલી લોકો છે અને કેટલી નકલી ચીજવસ્તુઓ વેચાઈ રહી છે, એની ગુજરાત સરકારને પણ જાણ નથી! શંકા રહે છે કે શું ગુજરાતમાં નકલી ‘કમલમ’ તો નથી ને ?
[6] આ ‘સદગુરુ પ્રદીપજી’માં આશારામના બધા તત્વો મોજુદ છે. તેમનું ફેસબુક એકાઉન્ટ ‘Shree Satyam Yog Foundation’ જૂઓ. તે ચમત્કાર કરે છે. ડાયાબિટીસ નાબૂદ કરે છે. હઠીલા રોગો દૂર કરે છે. રેકી પદ્ધતિ કરે છે. આયુર્વેદની દવા કરે છે. પેટમાં ભરાયેલું પાણી બહાર કાઢે છે. ભક્તજનોના ઘેર પધરામણી કરે છે. મહિલાઓ આરતી ઉતારે છે. નાની બાળા તેની સ્તુતિ કરે છે. આડા સંબંધની વાત કરે છે. ઘરકંકાસ કેમ દૂર કરવો તેના ઉપદેશો આપે છે. ‘સદગુરુ પ્રદીપજી’ના ફોટાઓ ભાજપના રાજકીય નેતાઓ સાથે છે. શું ઠગાઈ કરવા આટલું પૂરતું નથી ?
યોગ/ ધ્યાન/ આધ્યાત્મિકતા એવા શબ્દો છે કે તેના નામે તમે આધ્યાત્મિક ગુરુ બની શકો છો, બિઝનેસમેન બની શકો છો. આશારામ/બાબા રામદેવ વગેરેએ આ વાયરસ ફેલાવ્યો છે ! પોલીસને ધન્યવાદ ઘટે છે, તેમણે ‘સદગુરુ પ્રદીપજી’ને, ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ થતાં અને ઊગતા આશારામને અટકાવી દીધા છે !
BY: રમેશ સવાણી [19 માર્ચ 2026]











