વલસાડ : વલસાડની જાણીતી શૈક્ષણિક સંસ્થા સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં “Reimagining Engineering Education through Artificial Intelligence (AI)” વિષય પર એક સપ્તાહના શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ (STTP) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
9 માર્ચથી 13 માર્ચ 2026 દરમિયાન યોજાયેલા આ તાલીમ કાર્યક્રમને GUJCOST અને DST (ગુજરાત સરકાર) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો, જ્યારે ટેક્નિકલ શિક્ષણ નિયામકશ્રીની કચેરી (DTE) દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન વલસાડના ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી વિમલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આધુનિક યુગમાં શિક્ષણ અને ઉદ્યોગમાં AIના વધતા પ્રભાવ અને તેની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂક્યો હતો.
ગુજરાતની વિવિધ સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના કુલ ૩૦ પસંદગીના ફેકલ્ટી સભ્યોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. IIIT સુરત અને SVNIT સુરત જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તથા ઉદ્યોગ જગતના નિષ્ણાતો દ્વારા AIના વિવિધ પાસાઓ પર પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સત્રો લેવામાં આવ્યા હતા. શિક્ષકો AIના માધ્યમથી શિક્ષણ પદ્ધતિને કેવી રીતે વધુ અસરકારક અને આધુનિક બનાવી શકે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ દિવસે સમાપન સમારોહ IIT સુરતના ECE વિભાગના વડા પ્રોફેસર સુદીપ શર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના આચાર્ય પ્રો. આર. આર. શુક્લા અને કાર્યક્રમના સંયોજક ડૉ. સ્વાગત બારોટએ કાર્યક્રમની સફળતા બદલ તમામનો આભાર માન્યો હતો. આચાર્યશ્રીએ અપીલ કરી હતી કે, અધ્યાપકોએ અહીં મેળવેલું જ્ઞાન વર્ગખંડ સુધી પહોંચાડવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ પણ આ ટેકનોલોજીનો લાભ લઈ શકે.











