ધરમપુર: ભાંભાના ખેડૂતની વાંધા અરજીને નજરઅંદાજ કરીને ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા જમીનમાં ખોટી નોંધ પાડી દીધી હોવાના આક્ષેપ સાથે કલેકટર અને મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ભાંભા ગામના ટોકર ફળિયામાં રહેતા ધીરુભાઈ નામક ખેડૂતની જમીનમાં જમીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંગણવાડી બનેલ હતી. આ બાબતે ખેડૂતના પુત્ર હિમેશે કલેકટર અને મુખ્યમંત્રીને કરેલ ફરિયાદના આક્ષેપો અનુસાર તેમણે આંગણવાડી દાનમાં આપવાનાએ દસ્તાવેજોમા સહી આપેલ નથી. અત્યારસુધી ધીરુભાઈએ બાળકોના શિક્ષણ માટે રહેમરાહે ચલાવી લીધેલ પરંતુ હવે જૂની આંગણવાડી તોડી નવી આંગણવાડી બનાવવાની વાત તેઓના ધ્યાને આવતા અરજદારે તંત્રને વિનંતી કરેલ કે હવે વારસદારો અને વંશવેલો વધ્યો હોવાથી અને પોતે ખેડૂત હોવાથી ખેતીવાડી લાયક જગ્યા ખુબ જ ઓછી બચેલ હોવાથી આંગણવાડી નજીકમાં આવેલ સર્વે નંબર 461 અને ખાતા નંબર 283 માં બનાવવામાં આવે તો તેઓને પણ રાહત રહેશે,પરંતુ તંત્ર દ્વારા જબરજસ્તીથી કામ શરૂ કરવામાં આવતા અરજદારે 10/11/2025 ના રોજ આ બાબતે ધરમપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વાંધાઅરજી કરતા તારીખ 13/11/2025 ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામના સરપંચના માધ્યમથી તેઓને સવારે 10 વાગેથી બોલાવી સાંજે 5 વાગે સુધી બેસાડી રાખ્યા બાદ સીધી ધમકી આપતાં જણાવેલ કે આંગણવાડી તો ત્યાં જ બનશે અને તમે વિદનો નાખશો તો પોલિસ પ્રોટેકશન સાથે પણ ત્યાં જ બનાવીશું. તમારાથી થાય તે તોડી લેજો.ત્યારબાદ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા અરજદારે તારીખ 6/12/2025 ના રોજ પ્રાંત અધિકારી આર.સી.પટેલને વાંધાઅરજી કરેલ પરંતુ કોન્ટ્રાકટર દ્વારા રેતી કપચી અને માપણી કરવાનું ચાલુ જ રાખતા પ્રાંત અધિકારી આર.સી. પટેલને ફોન કરીને જમીનમાં મરજી વિરુદ્ધ થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામને અટકાવવા માટે વિનંતી કરતા પ્રાંત અધિકારીએ “આટલા વરસ ક્યાં ગયેલો તું?”એવું કહીને દાદાગીરી કરી વાંધાઅરજીઓને નજરઅંદાજ કરી તારીખ 3/1/2026 ના રોજ ગેરકાયદેસર એન્ટ્રી કરી દીધેલ.
આથી અરજદારની વાંધાઅરજીઓને અવગણીને ધરમપુર પ્રાંત અધિકારી દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરી સંપૂર્ણ ગેરકાયદેસર રીતે એન્ટ્રી કરેલ હોય આ એન્ટ્રી રદ કરવામાં આવે અને પોતાના પદનો દુરુપયોગ કરી ગરીબ અરજદારની જમીન પચાવી પાડવાનો કારસો રચવા બાબતે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી અને વલસાડ કલેકટરને અરજી કરી ન્યાયની માંગણી કરેલ છે.











