અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમની ટી20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને મેળવેલી ઐતિહાસિક જીતની ખુશી હજુ ઠંડી પડી નથી, ત્યારે આ જીત પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા ટ્રોફીને અમદાવાદના હનુમાન મંદિરે લઈ જઈને દર્શન કરાવવા પર TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આઝાદે આ કાર્યને ‘ખેલને ધર્મ સાથે જોડવાની ભૂલ’ ગણાવીને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે આવું કરવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ તફાવત રહેતો નથી.
કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ટિપ્પણીમાં કહ્યું, “ટીમ દેશ માટે રમે છે, જેમાં તમામ ધર્મના લોકો રહે છે. તમામ ધર્મના ખેલાડીઓ ટીમનો હિસ્સો છે. ખેલ, ખેલાડી કે ટીમનો કોઈ એક ધર્મ નથી હોતો. ટ્રોફી મંદિરે લઈ જાઓ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શું તફાવત રહ્યો?” તેઓએ પોતાની વાતને વધુ મજબૂત કરતા કહ્યું કે, “હું પોતે હિન્દુ છું પણ રમતને હું ક્યારેય ધર્મ સાથે નથી જોડતો. 1983માં અમે વર્લ્ડકપ જીત્યા ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના ખેલાડીઓ ટીમમાં હતા. પણ ત્યારે આવું કંઈ કર્યું નહોતું.”
આઝાદે વધુમાં પૂછ્યું, “હવે આ ટ્રોફી મંદિરે જ કેમ લઈ જવાઈ? મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા કેમ નહીં? આ ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, સૂર્યકુમારના પરિવારનું નહીં!” તેઓએ ઉદાહરણ તરીકે કહ્યું કે, “સિરાજ ક્યારેય ટ્રોફી મસ્જિદમાં નથી લઈ ગયો, સંજૂ સેમ્યુઅલ ક્યારેય ટ્રોફી ચર્ચમાં નથી લઈ ગયો. આ ટ્રોફી તમામ ધર્મના ભારતીયોની છે. આ કોઈ એક ધર્મની જીત નથી.”
આ ઘટના પછી ક્રિકેટ પ્રેમીઓ અને વિશેષજ્ઞો વચ્ચે પણ આ મુદ્દે વિવાદ શરૂ થયો છે. કેટલાકે આઝાદની વાતને સમર્થન આપ્યું છે, જ્યારે અન્યોએ કહ્યું કે વ્યક્તિગત વિશ્વાસને કારણે આવું કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ ખોટું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આઝાદની આ ટિપ્પણીએ ખેલ અને ધર્મ વચ્ચેના સંબંધો પર ફરીથી ચર્ચા ચાલુ કરી દીધી છે, જે દેશના વિવિધતાપૂર્ણ સમાજમાં એક મહત્વપૂર્ણ વાતચીતને જન્મ આપી શકે છે.











