વાંસદા: સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા ભારત સરકારના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC-ST (સુરત)ના સહયોગથી ધોરણ ૧૨ પછીના વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસનો વિનામૂલ્ય કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્લાસ તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી ૨ માર્ચ ૨૦૨૬ સુધી વાંસદા સમાજ ભવન તેમજ વઘઈ અને ચીખલી તાલુકાના વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC-ST, સુરત (મજુરા ગેટ આઈ.ટી.આઈ. ખાતે)ના ઉપ-ક્ષેત્રીય રોજગાર અધિકારી ડૉ. અમનદીપ સિંહ સાહેબની પરવાનગીથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સુરતના આઈ.ટી.આઈ.ના અનુભવી ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ રોજગારલક્ષી ક્ષેત્રોમાં તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત સમાજના વાર્ષિક સ્નેહમિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ડૉ. અમનદીપ સિંહ સાહેબના ઉદ્બોધનથી થઈ હતી. કોચિંગ ક્લાસ પહેલાં અને પછી પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓની રુચિ અને જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું.
આ 10 દિવસના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC-ST, સુરત દ્વારા પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા. સમાજ ભવન ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સામગ્રી અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સંગઠનના પ્રમુખ શ્રી આર. ડી. ભગરીયા (આર. ડી. પટેલ), જગદીશભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમે અથાક પ્રયત્નો કરીને વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેમને 10 દિવસ સુધી સમાજ ભવન ખાતે રહીને માર્ગદર્શન આપ્યું. ફેકલ્ટી મેમ્બર્સના તજજ્ઞતાપૂર્ણ શિક્ષણથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વ્યવસાયલક્ષી ક્ષેત્રોમાં આગળ વધવા માટે મજબૂત પાયો મળ્યો.
ભવિષ્યમાં ડૉ. અમનદીપ સાહેબ દ્વારા વાંસદા સમાજ ભવન ખાતે કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરવામાં આવે તો તેમાં પ્રેક્ટિકલ તાલીમ માટે સહયોગ આપવા તેઓ તૈયાર છે. આ કાર્યક્રમથી આંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને ખાસ કરીને મોટો લાભ થશે. સંગઠનના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ, સુરત શહેર કોકણી સમાજ અને અન્ય સંગઠનોના સભ્યોએ સતત સહયોગ આપ્યો.
આ તમામનો આભાર વ્યક્ત કરતાં સમસ્ત કુંકણા સમાજ વાંસદાના પ્રમુખ શ્રી આર. ડી. પટેલે જણાવ્યું કે, “આવા વિનામૂલ્ય કાર્યક્રમો દ્વારા સમાજના યુવાનોને સશક્ત બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ. આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે તેવી આશા છે.” આ કાર્યક્રમ સમાજની એકતા અને સંગઠનની તાકાતનો ઉત્તમ દાખલો બન્યો છે, જે આગામી દિવસોમાં વધુ વિસ્તારે ચાલુ રહેશે











