ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના એ.એસ.આઇ. શ્રી ભરતભાઈ મણીલાલ પટેલએ 39 વર્ષ અને 21 દિવસની લાંબી અને સમર્પિત સેવા પૂર્ણ કરીને પોલીસ વિભાગમાંથી નિવૃત્તિ લીધી છે. તેમની નિવૃત્તિ તારીખ 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, આહવા ખાતે એ.એમ.ઓ.બી. (એજ ઓફ મેડિકલ બોર્ડ) દ્વારા વયનિવૃત્તિ તરીકે થઈ છે.
Decision News એ મેળવેલી જાણકારી મુજબ શ્રી ભરતભાઈએ 1987 ની સાલના ફેબ્રુઆરીમાં તારીખ 5 ના રોજ વલસાડ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. વલસાડ જિલ્લામાંથી ડાંગ પોલીસ વહીવટી જિલ્લો અલગ થતાં વર્ષ 1990 થી તેઓ મૂળ મહેકમ ડાંગ જિલ્લામાં જ ફરજ બજાવતા રહ્યા છે. તેમની સેવા દરમ્યાન તેઓએ વિવિધ મહત્વના સ્થળોએ ફરજ બજાવી છે, જેમાં વલસાડ પોલીસ હેડક્વાર્ટર, નવસારી ટાઉન પોલીસ સ્ટેશન, આહવા પોલીસ સ્ટેશન, એલ.સી.બી., ચીચલી આઉટ પોસ્ટ, સુબીર આઉટ પોસ્ટ, વઘઈ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમણે ડાંગ જિલ્લામાંથી પ્રતિનિયુક્તિ પર નશાબંધી અને આબકારી ડાંગ તથા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.), ગાંધીનગર, આહવા સેન્ટર ખાતે 17 વર્ષ સુધી ફરજ બજાવી હતી.
સરાહનીય કામગીરી:
સમગ્ર સેવા દરમ્યાન શ્રી ભરતભાઈએ અનેક પડકારજનક કાર્યોમાં ભાગ લીધો છે. તેમણે પેરોલ/ફર્લો જમ્પ કરેલા મર્ડરના સજા પામેલા આરોપીઓને પકડવા, ચોરીના ગુનાઓ ઉકેલી મુદ્દામાલ રિકવર કરવા તથા ગાંજાના અનેક કેસો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 1992-93 અને 1997-98માં ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને અસર કરતા બનાવો દરમ્યાન તેમની સરાહનીય કામગીરી બદલ કુલ ૨૬ ઇનામો મળ્યા છે. આઈ.બી. ફરજ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સંબંધિત મહત્વની માહિતીઓ મેળવી વડી કચેરીને પૂરી પાડવા બદલ 08 પ્રશંસાપત્રો પણ પ્રાપ્ત થયા છે.
શ્રી ભરતભાઈ મણીલાલ પટેલની આ લાંબી સેવા ડાંગ જિલ્લાની કાયદો વ્યવસ્થા અને જનતાની સુરક્ષામાં અમૂલ્ય યોગદાન આપનારી રહી છે. તેમની નિવૃત્તિ પર પોલીસ વિભાગ તથા સ્થાનિક સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના ભવિષ્ય માટે સુખ-સમૃદ્ધિની કામના કરીએ છીએ.











