નવસારી: ગુજરાત રાજયના મહેસુલ વિભાગ દ્વારા તા.13/02/2026 ના રોજ 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર બનાવાયા હતા. તેમાં એસ.ટી નાં કર્મચારીને બઢતીમાંથી બાકાત રાખવામાં આવેલ અને બંધારણીય જોગવાઈ અને અનામત નીતિની જોગવાઈઓને સાઈડ કરી અન્યાય કરવામાં આવેલ હોવાની સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ગુજરાત રાજ્ય આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.
આ બાબતે કરેલી રજૂઆત અંગે મીડિયા સમક્ષ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે અગાઉની જગ્યાઓ અનુસુચિત જનજાતિની બાકી ન હોય તો પણ 165 ને જે બઢતી આપી તેમાં અનુસુચિત જનજાતિના જે રોસ્ટર પોઈન્ટ આવે (24 કે 25) તેઓને બઢતી આપવી પડે. જે આપેલ નથી જેના કારણે અનુસુચિત જનજાતિનું પ્રતિનિધિત્વ જળવાતું નથી.
આર્ટીકલ 16(4) અને અનામત નીતિનું પાલન થતું ન હોવાથી તા.13.02.2026 ના બઢતી હુકમમાં અનુસુચિત જનજાતિના નાયબ મામલતદાર કર્મચારીઓને પણ નિયમોનુસાર બઢતી આપી આદિવાસી સમાજને થયેલ અન્યાય દૂર કરવા અમે માંગ કરી છે અને સરકારે આ બાબતને ગંભીરતાથી લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે.











