ખેરગામ: આછવણી હટી ફળિયામાં રહેતા લાલજી પટેલ દ્વારા બનાવેલ માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્સ થોડા સમયથી સતત વિવાદોમા ચાલી રહેલ છે.ગતવર્ષે વાઘીયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી તેમના હકની દુકાન નંબર 6 મા બાકી આપવાના થતા 2.5 લાખ રૂપિયા આપી દુકાનનો કબ્જો સોંપી દેવાની વિનંતી કરવા જતા લાલજી પટેલ અને તેના પુત્ર શૈલેષ પટેલ અને ડો.અમિત પટેલ વિરુદ્ધ હિંસક હુમલો અને પરિવારની મહિલાઓ સાથે અશ્લીલ હરકત કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ ખેરગામ પોલિસ સ્ટેશનમાં કરેલ હતી.
શરૂઆતમા ખેરગામ પોલિસ દ્વારા મહિલાઓની ગરિમાના હનનની અને ધોકાધડીની કલમો નહીં નોંધતા વાઘીયા પરિવારે છેક વડાપ્રધાનના કાર્યાલય સુધી ફરિયાદ કરતા ચીખલી ડીવાયએસપી દ્વારા મહિલાઓના ગરિમાનું હનન સંબંધી કલમોં ઉમેરી શકાશે એવી ભલામણ કરેલ હતી પરંતુ ધોકાધડીની કલમો નહીં ઉમેરાતા વૈભવ વાઘીયા દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખવા છતાં આ આખો કોમ્પ્લેક્ષ તો અમે બાબુભાઇ વળવી સાહેબને વેચી દીધેલ છે કારણકે એમને આખો કોમ્પ્લેક્ષ જ જોઈતો હતો એટલે તારા જેવા ભીખારીઓના માટે અમે આવડી મોટી ડીલ જતી નથી કરવાના.આથી વૈભવે વલસાડ આદિજાતિ મદદનીશ કમિશનર બાબુભાઇ વળવીને પત્ર લખી ખુલાસો માંગેલ પરંતુ કોઈ ખુલાસો નહીં મળેલ અને ઉપરથી ગૌરી ગામના ગોકુળ પટેલ નામના નિવૃત શિક્ષકે વૈભવને વળવીસાહેબને હવે પત્ર લખી હેરાન કરતો નહીં, તારે કંઈપણ હોય તો મને કહેજે કારણકે માતૃકૃપા કોમ્પ્લેક્ષમા વળવીસાહેબ સાથે લાલજીબાપા અને શૈલેષ વચ્ચે આ ડીલ 3.10 કરોડ રૂપિયામા મેં જ કરાવેલી છે. એટલે દુકાન તો તને કોઈ કાળે નહીં મળે,અને તું મને જાણે જ છે કે હું કોણ છું એટલે જે રૂપિયા આપું તે ચુપચાપ લઇને નીકળી જજે.બાકી તારા જેવાઓને સીધા કરતા અમને ખુબ સારી રીતે આવડે છે,અને તારા જેવા બે કોડીના જંગલી લુખ્ખાઓને તો હું મારાં ઘરે કામે રાખું એમ કહીને ભારે ધાકધમકી આપ્યા હોવાની વૈભવે નવસારી કલેકટરને કરેલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હિંમત હાર્યા વગર વૈભવે પ્રયત્નો ચાલુ રાખતા માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્ષનો પ્રોપર્ટીકાર્ડ હાથમા લાગતા 6 નંબરની દુકાન બાબુભાઇ વળવીના નામ પર થઇ ગયેલી હોવાનું જાણવા મળતા વૈભવના પગના તળિયા નીચેથી જમીન સરકી ગઈ હતી. આથી વૈભવ વાઘીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નવસારી કલેકટર અને નવસારી એસપીને લેખિતમાં રજૂઆત કરી લાલજી પટેલ અને અન્ય 3 વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડીની ફરિયાદ નોંધવાની અરજી કરતા પાણીખડક વિસ્તારમાં ચકચાર મચી છે.
આ બાબતે સામાજિક આગેવાન વિજય કટારકરે પ્રેસને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વૈભવ અને એનો પરિવાર ન્યાય અને પોતાના હકની દુકાન મેળવવા માટે વલખા મારી રહ્યો છે પરંતુ આ લાલજી પટેલ અને શૈલેષ પટેલની અંદર માણસાઈ મરી પરવારી હોય એવું લાગી રહ્યું છે બાકી કોઈ ગરીબ વિધવા મહિલા અને તેના પરિવારને પોતાના હક માટે આવી રીતે ધક્કા ખવડાવવા એ આદિવાસીઓના સંસ્કાર નથી. અમારી સાથે કેટલાક એવા લોકો સંપર્કમાં આવ્યા છે જેઓ પણ તેમના ખુદના જણાવ્યા અનુસાર શૈલેષ ગાવડા અને લાલજી ગાવડાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેઓને પણ અમે આહવાન કરીએ છીએ કે તમે પણ હવે ન્યાય મેળવવા અમારી જેમ બહાર નીકળો અને અન્યાય સામે લડો. હવે આ મામલે પ્રશાશન સત્ય બહાર લાવવા શું કાર્યવાહી કરે છે તે લોકોમાં ઉત્કંઠાનો વિષય બન્યો છે.











