ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ૧૫મી સત્રમાં આદિવાસી વિસ્તારોના લોકોના પોષણ અને આરોગ્ય સાથે જોડાયેલી ‘પોષણ સુધા યોજના’ના અમલીકરણ અંગે તીવ્ર ચર્ચા થઈ છે. વાંસદા (ચીખલી-વાંસદા) વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે સરકાર સામે આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને યોજના હેઠળ આદિવાસી સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતા પોષણક્ષમ ભોજનના અમલમાં પારદર્શિતાનો અભાવ અને લાભાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવવાના મુદ્દે તેમણે સરકારને ઘેરી લીધી હતી.
ધારાસભ્ય અનંત પટેલે પ્રશ્નો દ્વારા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં યોજનાનો લાભ પહોંચાડવામાં અનેક અડચણો આવી રહી છે. લાભાર્થીઓ પાસેથી અમુક રકમ ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપો કરીને તેમણે સરકાર પાસે વિગતવાર જવાબ માંગ્યો હતો. આદિવાસી સમુદાયના હક્ક અને તેમના પોષણ સુધારણા માટે શરૂ કરાયેલી આ યોજનાના અમલમાં પારદર્શિતા અને યોગ્ય વિતરણની માંગ કરી હતી.
જવાબમાં સરકાર તરફથી યોજનાની પારદર્શિતા અને સાપ્તાહિક મેનુની વિગતો રજૂ કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે ‘પોષણ સુધા યોજના’ આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને રોજ સંપૂર્ણ પોષણયુક્ત ભોજન પૂરું પાડવા માટે ચલાવવામાં આવે છે. તેમાં સાપ્તાહિક મેનુ અનુસાર થેપલા, પરાઠા, દાળ-ભાત, ખીચડી વગેરે જેવા વ્યંજનોનો સમાવેશ થાય છે અને યોજના હેઠળ તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં અમલ થઈ રહ્યો છે. વર્ષ 2023-24 માં 90,249 લાભાર્થીઓને આ લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.
આ ચર્ચાએ વિધાનસભામાં ગરમાવો લાવ્યો છે અને આદિવાસી વિસ્તારોમાં પોષણ સુધારણા માટેની યોજનાઓના અમલ પર નવી ચર્ચા શરૂ થઈ છે. ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દાને આદિવાસીઓના હક્ક સાથે જોડીને રજૂ કર્યો છે, જેનાથી સરકાર પર વધુ જવાબદારીનું દબાણ જોવા મળી રહ્યું છે.











