વલસાડ: માનનીય નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા સતત 5 મી વખત રજૂ થનાર વર્ષ 2026ના બજેટમાં એક ખાસ આકર્ષણ જોવા મળ્યું. આ વખતે બજેટ પોથી પર આદિવાસી કલા વારલી પેઇન્ટિંગને સ્થાન આપવામાં આવ્યું છે, જે આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બજેટ પોથી પર અંકિત વારલી પેઈન્ટિંગ માત્ર શણગાર નથી, પરંતુ આદિવાસી સમાજની પરંપરા, જીવનશૈલી અને પ્રકૃતિપ્રેમનો જીવંત પ્રતિબિંબ છે. આ પહેલ દ્વારા સરકાર આદિવાસી કલા અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો સંદેશ આપે છે. આ પગલું આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું છે અને વિકાસ સાથે સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો મક્કમ સંકલ્પ પણ વ્યક્ત કરે છે. 2026-27′ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલાવાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઇ છે. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની બજેટ પોથી પર ‘વારલી’ ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા યથાવત છે.
વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે; બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્રકલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંસરી દેવી – આદિવાસીઓના દેવી છે, જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.











