વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામની સાંજે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી પીન્ટુભાઈ તથા સમિતિના સભ્યો અને ઝરી ગામના સ્થાનિક મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વાંસદા-ચીખલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમની શરૂઆત માતા પ્રકૃતિની પૂજા અને પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પછી આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિને દર્શાવતી અનેક કલાત્મક રજૂઆતો, નૃત્યો, ગીતો અને પરંપરાગત કૃતિઓ રજૂ કરવામાં આવી, જેણે હાજર રહેલા હજારો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ શ્રી રમેશ પટેલ, ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય શ્રી મંગળ ગાંવિત, મહારાષ્ટ્રના શ્રી લકી યાદવ, પાર તાપી રિવર લિંક સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી બારકુંભાઈ, ડૉ. અનિલ પટેલ સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક આગેવાનોની. મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા, જેણે આયોજનને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યું.

આ કાર્યક્રમ આદિવાસી સમાજની અસ્મિતા, પરંપરાઓ અને પ્રકૃતિ પ્રત્યેના આદરને પ્રોત્સાહન આપવા તેમજ સમાજમાં એકતા અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. ઝરી ગામના ડુંગરી ફળિયા ખાતે માતાજીના પટાંગણમાં યોજાયેલ આ સાંસ્કૃતિક સાંજે આદિવાસી સંસ્કૃતિના રંગો ખીલાવીને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજની સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here