ખેરગામ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઇવે પર ભૈરવી વિસ્તારમાં તીવ્ર વળાંકોને કારણે વાહનચાલકોને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. આ વળાંકો પરથી આવતા જતા વાહનોને પૂરપાટ ઝડપે આવતા વાહનો સાથે અથડામણના કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ડો. નિરવ પટેલે ખેરગામ મામલતદારને રજૂઆત કરી છે અને વળાંકો પર સ્પીડ બમ્પર, કેટ આઈ અને ચેતવણી બોર્ડ મુકવાની માંગ કરી છે.
આ વિસ્તારમાં ખેરગામ-ધરમપુર હાઇવેથી તારાબેન ખાંડાવાળાના ઘર તરફ જતા ભૈરવી-નાધઈ રોડ અને ભૈરવી ઝરા ફળીયા તરફ જતા રસ્તાઓ પર તીવ્ર વળાંકો આવેલા છે. આ વળાંકોને કારણે સ્ટેટ હાઇવે પરથી આવતા વાહનચાલકોને વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનો દેખાતા નથી, જેના પરિણામે નાના-મોટા અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે. ડો. પટેલે જણાવ્યું કે, “આ વળાંકો પર યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તો હજારો નાગરિકોના જીવન અને મિલકતની સુરક્ષા જળવાઈ શકે છે.”
ડો. નિરવ પટેલે આ રજૂઆતમાં ખાસ કરીને સ્પીડ બમ્પર મુકાવવાની માંગ કરી છે, જેથી વાહનોની ઝડપને નિયંત્રિત કરી શકાય. વધુમાં, કેટ આઈ અને અન્ય ચેતવણી દર્શક બોર્ડ મુકવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી રાત્રીના સમયે પણ વાહનચાલકોને વળાંકોની જાણકારી મળી શકે. આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ પણ આ સમસ્યાને લઈને અનેક વખત ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આ અકસ્માતોને અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











