ખેરગામ: શાંતિનગર સોસાયટીમા દિપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તેના પુરાવારૂપ છાંયડો હોસ્પિટલના સીસીટીવીમા શાંતિથી લટાર મારતો દિપડો આબાદ કેદ હોવાનું જણાવા મળ્યું છે માણસોની અમર્યાદિત ભૂખના લીધે જંગ્લોનો નાશ થતા હિંસક પ્રાણીઓનું રહેઠાણ છીનવાતા દિપડા જેવા શિકારી પશુઓ શિકારની શોધમાં શહેરોની માનવવસ્તીઓમાં ઘુસવા લાગ્યા છે અને વયોવૃદ્ધ-બાળકો તેમજ પાલતુ પ્રાણીઓ પર હુમલાઓ કરવા લાગ્યા છે.
હાલમાં સૈયદવાડીની આસપાસના શેરડીના ખેતરોમા દીપડીએ 3 બચ્ચાઓ સાથે ફરતી હોવાની ચર્ચાઓ વાયુવેગે પ્રસરી હતી અને સવારમાં 6.30 વાગે દિપડો મોર્નિંગવોક કરવા નીકળ્યો હોય તેમ લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં પોતાના નાના બાળકો માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે દિપડાનું અસ્તિત્વ જંગલની સ્થિતિ પર આધાર રાખે છે. ઘન ઝાડીઓ, પૂરતો શિકાર, પાણીના સ્ત્રોત, ઓછો માનવ અવરોધ હોય તો દિપડો સુરક્ષિત રીતે જીવી શકે છે. દિપડાની અગત્યતાએ છે કે શાકાહારી પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરે છે અને જંગલમાં સંતુલન જાળવે છે તેમજ બીમાર અને નબળા પ્રાણીઓને શિકાર કરીને જંગલને સ્વસ્થ રાખે છે.
વનવિભાગે પણ સાગ, સાલ, ખેર જેવા ઝાડોની રોપણીના બદલે હજારો જંગલી પ્રાણીઓને આશરો આપે એવા ઘટાદાર ઝાડોની રોપણીઓ પર ભાર મુકવો જોઈએ અને માણસે પણ જીવસૃષ્ટિમા જીવસંકલન જાળવતા તમામ સજીવોના અસ્તિત્વને સમજવું પડશે અને આપણે એલોકોના ઘરો છીનવીશું તો તેઓ આપણી વચ્ચે રહેવા આવી જશે એ હકીકત સ્વીકારવી પડશે.વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરી દીપડાઓને પકડી જંગલમાં મૂકી આવવા જોઈએ એવી શાંતિનગર સોસાયટીના રહેવાસીઓએ માંગ ઉઠાવી છે.











