ભાવનગર: આખરે ભાવનગરના SP/ IGP કપડા વગરના થઈ ગયા! પોલીસ કેટલું ખોટું કરે છે તેનો ઉત્તમ દાખલો ભાવનગરના PI/ DySP/ SP/ IGP છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) ઉપર 29 ડિસેમ્બર 2025ના રોજ, રાત્રે જીવલેણ હુમલો થયો.
ભાવનગર પોલીસે 8 હુમલાખોરોને એરેસ્ટ કરી લીધા. હુમલાખોરોને ગુનાવાળી જગ્યાએ લઈ જતા તેઓ માંડ માંડ ચાલી શકે, તેવું પોલીસે નાટક પણ કરાવ્યું. આ હુમલાખોરો તો જયરાજ આહીરના દાડિયા હતા. આ ગુનાની FIR નોંધનારે શરુઆતથી, જીવલેણ હુમલો હોવા છતાં, તેનો વીડિયો પુરાવો હોવા છતાં BNS કલમ-109 (IPC-307) હેઠળ ગુનો નોંધ્યો ન હતો, તે માટે જવાબદાર પોલીસ અધિકારીને ફરજમોકૂફ કરેલ નહીં. નવનીતભાઈ પર હુમલો થતો હતો ત્યારે વીડિયો ઉતારનાર કોણ? તે ગેરકાયદેસર મંડળીનો જ સભ્ય છે, તેમને શોધીને શરુઆતમાં એરેસ્ટ કરેલ નહીં. આ હુમલો કોના ઈશારે કરેલ, તે શોધી તેને અરેસ્ટ કરેલ નહીં કે તેમની કોલ ડિટેઇલનું વિશ્લેષણ કરેલ નહીં.
નવનીતભાઈ પર હુમલો થયો તે પહેલા 24 કલાક અગાઉ/ હુમલા દરમિયાન/ હુમલા બાદ 48 કલાક દરમિયાન આરોપીઓ, વીડિયો ઊતારનાર, આ હુમલાનું કાવતરું ઘડનાર અને સ્થાનિક PI ડી.વી. ડાંગરની કોલ ડિટેઇલ મંગાવી ગુનાનો ‘મોટિવ’ સ્થાપિત કરવાની કાર્યવાહી ન થઈ.
હુમલામાં વપરાયેલ બન્ને કારના માલિક કોણ? તેમની શરુઆતમાં પૂછપરછ કરેલ નહીં. નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કેમ થયેલ તેની તપાસ શરુઆતમાં કરેલ નહીં. પૂર્વ આયોજિત કાવતરાની તપાસ શરુઆતમાં કરેલ નહીં. પૂરતી તપાસ થઈ ન હતી, ગુનાનો મોટિવ પ્રસ્થાપિત થયો ન હતો ત્યારે DySP રીમા ઝાલાએ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ક્લિન ચીટ આપી હતી ! અને સુપરવાઈઝરી અધિકારી SP/ રેન્જ IGP ગૌતમ પરમાર કુંભકર્ણની નિદ્રામાં રહ્યા હતા.
ગુનો બન્યા બાદ પોલીસની હુમલાખોરોને બચાવવાની ઝૂંબેશ અંગે લોકોમાં જબરજસ્ત આક્રોશ ફેલાયો. કોળી સમાજના ધારાસભ્યો/ સંસદસભ્ય/ મિનિસ્ટર વગેરેએ પોલીસ સાચી દિશામાં તપાસ કરે તે માટે અવાજ ઉઠાવ્યો; મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી. ત્યારે રેન્જ IGP ગૌતમ પરમારે SITની રચના કરી અને તપાસમાં કંઈ ઉકાળ્યું નહીં.
ગુનો બન્યા પછી, 26માં દિવસે પોલીસે હુમલાના મુખ્ય સૂત્રધાર જયરાજ આહીરની ધરપકડ 24 જાન્યુઆરી 2026ના રોજ કરી. વાસ્તવમાં ધરપકડ કરવી પડી તેમ કહેવું જોઈએ કેમકે ભાવનગર પોલીસની આબરું તળિએ પહોંચી ગઈ હતી. તેમની પાસે વિક્કલ્પ નહતો. ભાવનગરના રેન્જ IGP ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી તે જૂઓ તો ખ્યાલ આવશે કે તેઓ પત્રકારોને કઈ રીતે મૂર્ખ બનાવી રહ્યા છે.
થોડા પ્રશ્નો:
[1] આ 26 દિવસ દરમિયાન ભાવનગરના PI/ DySP/ SP/ IGPએ લોકોને મૂર્ખ બનાવ્યા તે માટે સરકાર તેમની સામે કોઈ પગલાં લેશે? ડિટેઇલના પુરાવાથી 48 કલાકમાં આ ગુનાના મુખ્ય સૂત્રધારને ઝડપી શકાયા હોત, એમાં 26 દિવસ સુધી પોલીસે ઠાગાઠૈયા કર્યા. શરમજનક!
[2] શું ગુના કામે હુમલાખોરોના મુંખ્ય સૂત્રધાર જયરાજ આહીરને બચાવવાનું કામ કરનાર PI/ DySP/ SP/ IGP સામે BNS હેઠળ કાર્યવાહી થશે?
[3] આ ગુનાના પરિણામે કોળી સમાજ અને આહીર સમાજમાં વૈમનસ્ય વધ્યું. સામાજિક સંવાદિતાને ભયંકર હાનિ પહોંચી તે માટે PI/ DySP/ SP/ IGP જવાબદાર ગણાય કે નહીં?
[4] જયરાજ આહીર ભાજપ સાથે જોડાયેલ છે, ભવિષ્યમાં ધારાસભ્યનો ઉમેદવાર છે, તેના પિતા માયાભાઈ આહીર પ્રસિદ્ધ હાસ્ય-ડાયરા કલાકાર છે અને મોદીજીના ચાપલૂસ છે. આ કારણે જ PI/ DySP/ SP/ IGPએ પોતાની કાયદેસરની ફરજનો ઉલાળિયો કર્યો હતો? શું કાયદો સૌ નાગરિકો માટે સમાન નથી? ભાજપ સાથે જોડાયેલ હોય એટલે કાયદો લૂલો બનાવી શકાય? શું કાયદો સમાજના નબળા વર્ગના પીડિતો માટે નથી? શું આખરે ભાવનગરના SP/ IGP કપડા વગરના થઈ ગયા નથી?
[5] મુખ્ય સૂત્રધાર જયરાજ આહીરને સમન્સ પાઠવવો પછી પૂછપરછ કરી જવા દેવો. અને ફરી સમન્સ પાઠવી બોલાવવો અને કોળી સમાજના શક્તિ પ્રદર્શનની ધમકીથી ડરીને પોલીસે જયરાજ આહીરની ધરપકડ કરી. શું પોલીસે આ રીતે ફરજ બજાવવાની હોય છે. વળી જયરાજ આહીર સાથે પોલીસ સન્માનજનક વ્યવહાર કરે છે. શું પોલીસ આવો સન્માનજનક વ્યવહાર કોઈ ગરીબ/ વંચિત/ દલિત/ લધુમતી સમુદાયના આરોપી સાથે કરે છે?
[6] જયરાજ આહીરને પોલીસે ફરી બોલાવ્યો ત્યારે કપાળમાં લાંબું તિલક કરીને, જય દ્વારકાધીશ કહીને જાય છે. ભાજપ સાથે જોડાયેલ ક્રિમિનલ/ તડીપાર હંમેશા કપાળમાં તિલક કરીને પોલીસ સમક્ષ કેમ હાજર થતાં હશે? ઝડપી જામીન મળી જાય તે માટે? ‘આતંકવાદી સ્ટાઈલ’નો હુમલો કરાવનાર જયરાજ આહીરને જામીન ન મળે તે માટે સરકાર સાવચેતી રાખશે?
[7] શું ભાવનગર પોલીસનું ગુંડાઓ સાથે મેળાપીપણું ન ગણાય? શું સરકાર આમાંથી કોઈ બોધપાઠ લેશે ?
BY રમેશ સવાણી











