બારડોલી: નાની ભટલાવ ગામમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ રૂપે દૂરના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. જેમાં આ કાર્યક્રમનું નેતૃત્વ ગામના યુવા સરપંચ અંકિતભાઈ ચૌધરીએ કર્યું હતું. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની સુવિધા સાથે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં લાયબ્રેરીમાં વાંચન અને અભ્યાસ કરી શકશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ દૂરના વિસ્તારથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને રહેવા અને અભ્યાસ બંને માટે અનુકૂળ સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન સરપંચ અંકિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિકાસનું મૂળ છે અને વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી પંચાયતની પ્રાથમિકતા રહેશે.
સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને યુવાનોની હાજરીમાં યોજાયેલ આ ખાતમુહર્ત કાર્યક્રમને ગ્રામજનોએ આવકાર આપ્યો હતો. ગામમાં શિક્ષણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.











