ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. રાનકુવામા પૂરપાટ ઝડપે જતી બુટલેગરની બાઈકે એક નિર્દોષ વાહનચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પર દારૂની રેલમછેલ્લા થઈ હતી.

આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અને બુટલેગરોના સતત વધી રહેલ મનોબળ પર અનેક સવાલો ઉભા કર્યા છે.બે બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં GJ 21 BQ 1300 નંબરની મોપેડ પર સવાર બુટલેગરની બાઈક પછડાતા તેના પર રહેલા બ્લેક કલરના થેલામાંથી દારૂની બોટલો અને ટીન રોડ પર વેરાયા હતા. આ અકસ્માતમાં બંને ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પૂરપાટ ઝડપે નીકળેલા કુખ્યાત બુટલેગરે પોતાના અંગત લાભ માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.

​પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિક જનતામાં જનાક્રોશ ભભુકી ઉઠ્યો છે અને તમામે એકસૂરે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાખવી જોઈએ અથવા હપ્તાખોરી બંધ કરી દારૂબંધીનો કડક અમલ કરાવવો જોઈએ. ​નવાઈની વાત એ છે કે આ ઘટના રાનકુવા પોલીસ ચોકીની નજીકના વિસ્તારમાં જ બની છે. થોડા દિવસો અગાઉ પણ નવસારી LCB એ રાનકુવા પોલીસ ચોકી સામે જ ફિલ્મી ઢબે ક્રેટા કાર પકડવાની કોશિશ કરતા ક્રેટા કાર બેફામ હંકારી બુટલેગરે અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમા મુક્યા હતા અને ઘણા વાહનોને ખાસ્સુ નુકસાન થયું હતું.

સ્થાનિકોમાં ચર્ચા છે કે:
​શું રાનકુવા પોલીસના નાક નીચેથી જ બુટલેગરોને મોકળો માર્ગ મળી રહ્યો છે ? ​શા માટે સ્થાનિક પોલીસ આ ગંભીર મુદ્દે કડક તપાસ કે નાકાબંધી નથી કરતી? ​નિર્દોષ નાગરિકો ક્યાં સુધી બુટલેગરોની આ ‘સ્પીડ’નો ભોગ બનતા રહેશે ?નિર્દોષ રાહદારીઓના જીવ જોખમમાં મૂકતી દારૂની હેરાફેરી ક્યારે અટકશે?

​​વારંવાર બનતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. પોલીસ દ્વારા કરવામાં આવતી સામાન્ય કામગીરી હવે પૂરતી નથી. જનતાની માંગ છે કે: ​રાનકુવા ચેકપોસ્ટ અને આસપાસના રસ્તાઓ પર ૨૪ કલાક સઘન ચેકિંગ કરવામાં આવે. જો પોલીસ ચોકીની હદમાં વારંવાર દારૂ પકડાય કે અકસ્માત થાય, તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ તપાસ થવી જોઈએ. તંત્ર હવે ઊંઘમાંથી જાગીને હજુ આનાથી મોટી જાનહાનિ થાય તે પહેલા આ દારૂના દૂષણને ડામવા કડક પગલાં લેશે ખરું? તે જોવું રહ્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here