ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકો બન્યાને 12 વર્ષના વ્હાણાં વીત્યા છે પરંતુ તંત્રના ઓરમાયાં વર્તનના લીધે તાલુકાની મોટાભાગની પરિસ્થિતિ યથાવત જ છે.તાલુકો બસસ્ટેન્ડ,પૂરતી ગટરયોજના,સર્કિટ હાઉસ,રમતગમત કેન્દ્ર સહિતની મહત્વની સુવિધાઓથી વંચિત છે. APMC ચીખલી સાથે સંયુક્ત રીતે વહીવટ થાય છે જેમાં 60%થી વધુ હિસ્સો ખેરગામ APMC નો હોવા છતાં વર્ષોથી ચીખલીના આગેવાનો દ્વારા જ ખેરગામ APMC નું ભવિષ્ય નક્કી થાય છે. દર ઉનાળામાં છેવાડાના 12 ગામો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે અને ટેન્કરો મંગાવતા હોય છે.
આ બાબતે મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને લખેલ પત્રમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડીયને જણાવ્યું હતું કે ભલીભોળી આદિવાસી પ્રજા કાયદાકીય રીતે ઘણી અજ્ઞાન હોવાથી ઘણીબધી ખોટી વસ્તુઓનો વિરોધ પણ નથી કરી શકતી.આજની તારીખે પણ ઘણા લોકો કચેરીઓમાં ચપ્પલ બહાર ઉતારીને જાય છે કારણકે કચેરીઓને ભગવાન માનતા હોય છે છેલ્લા કેટલાય સમયથી ખેરગામમાં પોસ્ટિંગને સજા તરીકે જોતા અધિકારીઓની માનસિકતાને લીધે ખેરગામ છેલ્લા ઘણા સમય વિકાસથી વંચિત રહેવા પામ્યું છે.પોલિસ ઇન્સ્પેક્ટર દ્વારા સંચાલિત જિલ્લાનું સૌથી હાઈટેક પોલિસ સ્ટેશન હવે માત્ર 22 ગામડાઓ પર ચાલે છે. તાલુકામાં માત્ર 22 જ ગામડા હોવાથી રેવન્યુ પણ સરખું જનરેટ થતું નથી કારણકે તાલુકામાં નોંધપાત્ર વસ્તી ધરાવતા માત્ર 3 જ મોટા ગામડાઓ છે.
આથી અમારી માંગ છે કે તાલુકામાં ચીખલી વાંસદા તાલુકાના સરહદી ગામો જોડી આપીને તાલુકો વધુ ગામો ધરાવતો બનાવી આપવામા આવે કારણકે આસપાસના ચીખલી 65 ગામો,વાંસદા 96 અને ધરમપુર 108,વલસાડ 75થી વધારે ગામો ધરાવતા તાલુકાઓ છે એના લીધે આજુબાજુના ગામોના ઘણા લોકો સોસીયલ મીડિયામા છાસવારે ખેરગામ તાલુકા સાથે જોડાવાની પોતાની લાગણીઓ રજુ કરતા રહેતા હોય છે. બીજુ કે તાલુકાની ઉપર જણાવેલ સમસ્યાઓ સત્વરે દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અથવા ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લા સાથે જોડી દેવામાં આવે કારણકે જિલ્લા કક્ષાના કામો માટે નવસારી 50-60 કિલોમીટર દૂર પડે છે જયારે વલસાડ માત્ર 20-25 કિલોમીટર દૂર પડે છે.











